પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૬૧
 

એકરાર કરતાં પ્રેમીજનોને કહે છે : 'વિલાસે વૈશાલીના પાયા હચમચાવી નાખ્યા છે. સ્ત્રી એ પુરુષના જીવનનું સર્વસ્વ બની છે. ને પુરુષ એ સ્ત્રીનો આનંદ બન્યો છે. સ્ત્રી અને પુરુષ કેવળ કામદેવના દાસ બન્યાં છે, જે વિષયના દાસ એ સહુના દાસ.' (પૃ. ૨૩૧-૩૨, ભા. ૨) લેખક પોતે પણ પ્રત્યક્ષ કથનપદ્ધતિથી આ મુદ્દો ઉપસાવતાં કહે છે : ‘પણ છેલ્લે છેલ્લે એની ભાવુકતાનો લાભ લઈ, ધીરે ધીરે બળવાન અને નિષ્ઠાવાન લોકોને પાછળ નાખી, બળ અને નિષ્ઠાની પદે પદે મોટે ભાગે દુહાઈ દેતા તકસાધુઓ ગણતંત્રમાં આગળ આવી ગયા હતા... નાટક અને નૃત્યગીતનો તો જાણે આખો યુગ સમજાઈ ગયો હતો. મેદાની રમતો જોવા જનાર અજ્ઞાની અને ગુંડા લેખાતા રાજકારણી પુરુષો નર્તિકાઓ સાથે હરવા-ફરવામાં ગૌરવ અનુભવતા. એમનો સંપર્ક એ સંસ્કારિતાની પારાશીશી બન્યો હતો !' (પૃ. ૧૬૪-૬૫, ભા. ૨)

બીજી બાજુ મગધરાજ અજાતશત્રુને પણ પોતાની અપ્રતિમ સામ્રાજ્ય લાલસાથી સુખ નથી જ પ્રાપ્ત થઈ શક્યું એ પણ લેખક યુદ્ધનો નફો બતાવતાં બતાવતાં નવલકથાના અંતભાગે ઠીક વિસ્તારપૂર્વક વર્ણવે છે. કલાત્મકતાની દૃષ્ટિએ સહેજ ઊણો લાગતો નવલકથાનો અંત લેખકની પોતાની અહિંસાપ્રિય નીતિની નિરૂપણની દૃષ્ટિએ નોંધનીય રહ્યો છે. યુદ્ધની વિનાશકતા વિશેના લેખકના વિચારો અંતે લંબાણપૂર્વક વર્ણવાયા છે, જેમ કે ચક્રવર્તી બનવાની ઘેલછામાં ભાન ભૂલેલા રાજવીને રણમેદાનમાં ઘાયલો, કપાયેલા દ્વારા આવા શબ્દો સાંભળવા મળે છે, 'રે રાજા ! શા કાજે આ યુદ્ધ ને આ આગ ? આનાથી તેં શું હાંસલ કર્યું ? એક મૂઠીભર માનવીઓના સ્વર્ગ કાજે તેં પૃથ્વી પર રૌરવ નરક કાં ઉતાર્યું ? ઓ સ્મશાન નગરીના સ્વામી ! જા, અમારા પુત્ર, પતિ ને ભાઈના મડદાંનો મહારાજા થા ! રે, તારા જેવા પાપિયાનું મોં પણ પ્રાત:કાલે કોણ જોશે ? એક માણસની હત્યા કરનાર-કરાવનાર ખૂની-હત્યારો લેખાય છે, તેં કેટલી હત્યાઓ કરી ? તને શેનું બિરુદ આપવું ?' (પૃ. ૨૭૪-૭૫, ભા. ૨).

મગધપ્રિયા ફાલ્ગુની પણ અજાતશત્રુને આવા યુદ્ધ દ્વારા એણે શું વિશેષ મેળવ્યું એ કટાક્ષ દ્વારા અને રાજાની સામ્રાજ્યલાલસા તરફ ધૃણા દર્શાવતાં