પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
 


મનાવા લાગી, અંગત લાભને ખાતર અન્યને ગમે તેવું નુકસાન પહોંચાડવામાં સહેજ પણ શરમ ન અનુભવવા લાગી ત્યારે રાજકારણીઓનો આ દોષ ચેપી રોગ બની જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પણ પ્રસરવા લાગ્યો. વિદ્યાધામો અને સાહિત્યપ્રવૃત્તિ પણ તેનાથી મુક્ત ન રહ્યાં. નિરાશાના અને મૂલ્યહ્રાસના આ મહારણમાં સાહિત્યક્ષેત્રે જયભિખ્ખુનો પ્રવેશ માનવતાની મીઠી વીરડી સમો, સંસ્કારજ્યોતની ચિનગારી સમો બની રહ્યો.

સાહિત્યજગત જેને જયભિખ્ખુના હુલામણા નામથી ઓળખે છે તે જયભિખ્ખુનો એટલે કે બાલાભાઈ વીરચંદ દેસાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૬૪ના જેઠ વસ તેરસને શુક્રવારે સાત વાગે (ઈ. સ. ૧૯૦૮ના જૂન મહિનાની ૨૬મી તારીખે) સૌરાષ્ટ્રમાં એમના મોસાળ વીંછિયા ખાતે થયો હતો. એમનાં માતાનું નામ પાર્વતીબહેન અને પિતાનું નામ વીરચંદભાઈ ખેમચંદ દેસાઈ. જયભિખ્ખું જ્યારે ચાર વર્ષના હતા ત્યારે માતાનું મૃત્યુ વઢવાણ ખાતે થયું હતું. માના મૃત્યુ પછી બાલ્યકાળના કેટલાંક વરસો એમણે મોસાળમાં જ વિતાવ્યાં.

પિતા વીરચંદભાઈ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા જૂના સાબરકાંઠાના વરસોડા રાજ્યના અને પાછલાં વર્ષોમાં નાના ભાયાતોના કારભારી હતા. તેમનો અભ્યાસ ચાર ચોપડી સુધીનો. પણ કાયદાગત જ્ઞાન ભલભલા ડિગ્રીધારી વકીલોને હંફાવે એવું. સમાજમાં એક શક્તિશાળી કારભારી તરીકેની નામના. પોતાના વૈભવવાળા કુટુંબની કગમગી ગયેલી, સ્થિતિને સ્વપ્રયત્ને તેઓએ સ્થિર કરી હતી. પિતાના નીડર, અતિથિપ્રેમી કુટુંબવત્સલ સ્વભાવના સંસ્કાર બાળ જયભિખ્ખુને ગળથૂથીમાંથી જ મળ્યા હતા.

વીરચંદભાઈનું કુટુંબ ધર્મપ્રેમી, કુટુંબવત્સલ અને સાહિત્યના સંસ્કારોથી ઓપતું હતું. તેમના ભાઈ દીપચંદ એટલા ભક્તિપરાયણ જીવ હતા કે બધા તેમને ‘દીપચંદ ભગત’ કહેતા. એમણે પત્નીના અવસાન પછી જૈન ધર્મની દીક્ષા અંગિકાર કરી હતી. એમના દીકરા રતિભાઈ પણ જૈન સાહિત્યના અગ્રણી લેખક રહ્યા હતા. એમનું જીવન પણ સાધના અને સમર્પણથી ઓપતું હતું. આવા ધાર્મિક પ્રકૃતિના વાતાવરણવાળા કુટુંબમાં જન્મ અને ઉછેરને કારણે જૈન ધર્મના સંસ્કાર જયભિખ્ખુને ગળથૂથીમાંથી જ સાંપડ્યા હતા.