પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૬૭
 

પોતાની પાનીએ અડતું ઉત્તરીય અને અંતરવાસક એક હાથે ઊંચકીને પગથિયાં ચઢી રહી છે. અંતરવાસકે પ્રગટ કરેલો એની પગની પીંડીનો સ્નિગ્ધ ભાગ દૃષ્ટાની નજરને મુગ્ધ કરી ત્યાં ચોંટાડી રાખે છે. એ કવિને કાવ્યની પ્રેરણા આપે છે, કામીને કુરબાનીનો સંદેશ આપે છે. સૌંદર્યભોક્તાને વગર છરીએ જખમી બનાવીને પછાડે છે. કેળના જેવી સુકોમળતા ને હાથીદાંતના જેવી સ્નિગ્ધતા એ પિંડી પર મન બહાવરું બની ફૂલ પર ભ્રમર ચોંટે એમ ચોંટી જાય છે.' (પૃ. ૨૦૮, ૨૦૯, ભા. ૧)

ઐતિહાસિક નવલકથાના વિષયવસ્તુને પોષક વાતાવરણ સર્જવા લેખકે કથનવર્ણનમાં જે અલંકારાદિનો ઉપયોગ કર્યો છે, એમાં કવિતાવેડા નથી એ જયભિખ્ખુનું જમા પાસું કહેવાય. પ્રસંગોને ઉઠાવ આપવા, પરિસ્થિતિનું સર્વગ્રાહી દર્શન કરાવવા તથા પાત્રને જીવંત-સચોટ રીતે આલેખવા તેમણે પોતાની કલ્પનાશક્તિના વિનિયોગથી મનોહર દૃષ્ટાંતો પેદા કર્યા છે, એટલું જ નહિ પણ એ અલંકારો નવલકથાના ગદ્યને ભારે મારતા નથી, પણ ઉપર કહ્યું તેમ નવલકથાના વિષયવસ્તુ, પાત્રને ઉપકારક બન્યા છે તે વાત લેખકને ન્યાય આપવા સ્પષ્ટ કરવી જોઈએ.

અલબત્ત, આ નવલકથામાં કેટલીક મર્યાદાઓ પણ છે ખરી. વિચાર- નિરૂપણ યા વર્ણનથી વચ્ચે મંદ પડતો વાર્તાપ્રવાહ, પ્રત્યક્ષ યા સાર દ્વારા કેટલીક પુનરુક્તિની પદ્ધતિ, કવચિત્ સંવાદની અસ્વાભાવિક લઢણ, સુરશર્મા વર્ષકારની દૃષ્ટાંતકથાઓ માટે બે સ્વતંત્ર પ્રકરણોની યોજના, આરંભમાં અજાતશત્રુના પાત્રાલેખનની અસ્પષ્ટતા, સારદર્શી વલણને કારણે લાંબી લેખણે લખાયેલો અંત, પ્રથમ ભાગનું કંઈક શિથિલ આયોજન, વસ્તુ- સંકલનમાં કેટલાક અંકોડાનું શૈથિલ્ય વગેરે આ નવલકથાની મર્યાદાઓ છે. સમગ્રપણે જોતાં એમ છતાં ઐતિહાસિક વિષયવસ્તુ ધરાવતી આ ભાવનાશીલ નવલકથા એ સમયના સાંસ્કૃતિક-સામાજિક-ધાર્મિક વાતાવરણને સજીવન કરતી રસપ્રદ કૃતિ બની શકી છે. નવલકથાકારે વૈશાલીના ગણતંત્રની આંતરિક અશક્તિ અને ક્ષતિઓ ખૂબ સફળ રીતે નિરૂપી હોવા છતાં વાચકોનો પક્ષપાત સતતરૂપે વૈશાલી તરફ જ રહે એવું એનું નિરૂપણ ચિત્તને સ્પર્શી જાય છે.