પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

આ નવલકથાનું વિષયવસ્તુ ઇતિહાસલક્ષી હોવા છતાં લેખકે ઇતિહાસની સ્થળ વિગતોને પોતાની કલ્પનામંડિત નિરૂપણરીતિથી રસિક અને આસ્વાદ્ય બનાવી છે. કથાવસ્તુને બહેલાવવા લેખકે ઇતિહાસ સાથે છૂટ લીધી હોય તો પણ નવલકથાને તેથી લાભ થયો છે. ક્યાંક વિસ્તાર-પ્રસ્તાર લાગે, ત્યારે વ્યાપક-વિષયવસ્તુના અનુસંધાનમાં એની અનિવાર્યતા જોવાનું મન થાય છે. અનેક પાત્ર-પરિસ્થિતિઓના નિરૂપણમાં લેખકે તર્કબદ્ધ નિરૂપણ અને તાત્વિક ભૂમિકાનું દર્શન રસીભૂત કરીને પાત્રપ્રસંગને નવલકથાની કલાત્મકતા બક્ષી છે. પહેલાં ભાગની વસ્તુસંકલનામાં જોવા મળતી શિથિલતા બીજા ભાગમાં વિશેષ સમૃદ્ધ બનીને લેખકની શક્તિઓનો સારો અને સાચો જવાબ વાળે છે. આમ આ સુદીર્ઘ નવલકથા, સામાન્ય વાચકને સાથે સાથે સરવાળે તો સહૃદય અભ્યાસીને માટે પણ સંતોષપ્રદ પરિણામો આપે છે એમ નિઃશંક કહી શકાય.

‘પ્રેમાવતાર’ ભા. ૧, ૨ :

પોતાની વૈવિધ્યવંતી જીવનમાંગલ્યલક્ષી સાહિત્યસૃષ્ટિ દ્વારા સમાજ ઉપર ઉદાત્ત જીવનભાવનાઓની નિર્મળી છાંટનાર શ્રી જયભિખ્ખુની પ્રસ્તુત નવલકથા અહિંસામૂલક પ્રેમમય જીવનની કહાણી રજૂ કરે છે. દ્વાપર અને કલિયુગના સંધિકાળે જન્મેલા ભગવાન અરિષ્ટનેમિ અર્થાત્ શ્રી નેમનાથના જીવનને આવરી લેતી આ કૃતિમાં તત્કાલીન કર્મયોગી શ્રી કૃષ્ણ તથા મહારથી બલરામના જીવનને પણ ગૂંથવામાં આવ્યું છે.

શ્રી જયભિખ્ખુ કહે છે તેમ દેશની અને આત્માની આઝાદીની આ કથાનું મુખ્ય વસ્તુ ઘણું ટૂંકું છે. નેમનાથના જીવનને કથાવિષય બનાવી નવલકથાકારે આ કૃતિને લઘુનવલનો ઘાટ આપ્યો હોત તો કદાચ એમાં વસ્તુની અને ભાવનાની ઘનતા વધારે ઉપસાવી શકાઈ હોત. પણ લેખકનો હેતુ અણુયુગની ભીષણ સંહારલીલા તરફ ધકેલાયે જતી માનવસૃષ્ટિને આ કૃતિ દ્વારા 'જીવો અને જીવવા દો' તથા 'અહિંસા પરમો ધર્મ'નો સંદેશ આપવાનો છે અને એટલે જ નેમનાથની સાથે સંકળાયેલા એમના કાકાના દીકરાઓ શ્રીકૃષ્ણ -બલરામ તથા ફોઈના દીકરા પાંડુપુત્રોના જીવનની કેટલીક ઘટનાઓને સાંકળીને અહીં જયભિખ્ખુએ જે અવનવો વસ્તુગોફ રચ્યો છે