પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

પુત્રો જન્મતાંની સાથે જ મૃત્યુ પામશે-ભવિષ્યવાણી જાણી એવા પુત્રો પાસે પણ કંઈક સંસાર કલ્યાણનું કામ કરાવવાની માતાની પ્રાર્થનાની બાળકોની અદલા-બદલી હિરણગમેષી દેવી દ્વારા થાય છે. આ પુત્રો દેવકીને જૈન મુનિના રૂપે પાછા મળે છે. સાતમા તે કૃષ્ણ અને આઠમા ગજસુકુમાર, આ કથા ભાગવતમાં નથી. લેખકને ભાગવતની જૈનપરંપરાનુસારની કથામાંથી આ વસ્તુ મળ્યું હોય ! નેમનાથની કથા જૈનોમાં ખૂબ પ્રચલિત છે. અહીં કૃતિમાં રાજ્યશ્રી તરીકે જેને ઓળખાવવામાં આવી છે તે યાદવ સત્રાજિતની પુત્રી અને સત્યારાણીની બહેન નહીં, જૈન પરંપરામાં એ રાજા ઉગ્રસેનની પુત્રી છે અને એનું નામ રાજુલ અથવા રાજમતી તરીકે વધારે પ્રચલિત છે. ટૂંકમાં ‘ભાગવત’, ‘દશમસ્કંધ’, જૈન પરંપરા અને કવિકલ્પનાના સંમિશ્રણથી સર્જાયેલી આ કૃતિ મુખ્યત્વે તો સમાજને વેરનો બદલો વેરથી નહીં, પ્રીતથી દેવાનો સંદેશ આપે છે.

પૌરાણિક કથાવસ્તુમાં લેખકે કરેલા આજના વૈજ્ઞાનિક યુગના બુદ્ધિજીવીને ગળે ઊતરે એવા કેટલાક નવાં અર્થઘટનો પણ કૃતિમાં ધ્યાનપાત્ર બને છે. ભાગવત અનુસાર પોતાની બહેન દેવકીને લગ્નમંડપમાંથી વિદાય આપતી વખતે કંસે જે ભવિષ્યવાણી સાંભળી તે અનુસાર પોતાના મૃત્યુનું નિમિત્ત બનનાર ભાણેજને જન્મ આપનારી બહેન તથા બનેવીને એણે જેલમાં પૂર્યા. ભાગવત કથામાં ભવિષ્યવાણી જેલ પૂરવાનું નિમિત્ત બને છે. આજના બુદ્ધિજીવીને આ ભવિષ્યવાણીની વાત જલદી ગણે ના ઊતરે તેથી આ સંદર્ભનું એક નવું અર્થઘટન તારવીને લેખક કથામાં એવી રજૂઆત કરે છે કે વાસુદેવનો કંસ સાથેનો કંસને સબળ બનાવતો સંબંધ જેમને પસંદ નહોતો એવા કેટલાક વિઘ્નસંતોષીઓએ વિદ્યાવાન પુરુષોનો સાથ લઈને કંસને જ્ઞાનતંતુઓના યુદ્ધમાં નાખી દીધો. વહેમી કંસના મનમાં ઠસાવી દીધું કે અમારું જ્ઞાન એવું કહે છે કે આ બહેન અને બનેવીના રાજવીર્યનું ફળ તારો ઘાત કરશે. (પૃ. ૩૮, ભા. ૧). કંસ આ કાવતરાનો શિકાર બન્યો. જ્ઞાનતંતુના યુદ્ધમાંથી છેવટે એણે વાસુદેવ-દેવકીને કેદમાં પૂરવાનો નિર્ણય કર્યો.

એ જ રીતે ભાગવતમાં પ્રચલિત કૃષ્ણજન્મની કથાને, એ સમયે થયેલા