પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૩
 

ચમત્કારને ગાળી નાખીને લેખક કથાસંદર્ભનું પુનર્ઘટન આવી તાર્કિક રીતે કરે છે. વાસુદેવના મોટાભાઈ સમુદ્રવિજયે કંસના અત્યાચારથી હારેલી, થાકેલી પ્રજામાં જન્મેલા અસંતોષનો પોતાને જરૂરી ઉપયોગ કર્યો. સૌ પ્રથમ જેલોના બંદોબસ્તને શિથિલ કરી નાખ્યો, વાસુદેવ ધારે ત્યારે બહાર આવ-જા કરી શકે એવી શિથિલતા બંદોબસ્તમાં આણી. એ પછી તેઓ દરેક રાજ્યમાં ફરી આવ્યા. રાજાઓને વિનંતી કરીને કહ્યું કે ‘સતના બેલી થવું ક્ષત્રિયોની ફરજ છે.’ રાજાઓ ખાનગીમાં કંસના શાસનની અને કંસની ખૂબ નિંદા કરતા પણ પ્રગટ રીતે કોઈનામાં એનો સામનો કરવાની તૈયારી નહોતી. કારણ કે એમ કરવામાં કંસ ઉપરાંત એના પ્રતાપી સસરા જરાસંઘનો પણ ડર હતો. ફરતા ફરતા તેઓ નંદગોપને ત્યાં આવ્યા. ગોપ લોકોએ સહકાર આપવાનું વચન આપ્યું. ગોપરાણીએ તો એટલે સુધી કહ્યું કે ‘જરૂર પડે સંતાન માટે સંતાન આપીશ પણ દેવકીનો બાળ બચાવજો. (પૃ. ૪૦).’ કંસના શાસનનો નાશ કરવામાં ગોપ લોકોનો ફાળો મોટો હતો. ગોપ લોકોએ ઘણી વાર રાજશાસન પલટાવવામાં મદદ કરી હતી એ વાતની સાબિતીરૂપે ઇતિહાસની એક હકીકત ફૂટનોટમાં નોંધતાં લેખક કહે છે, ‘ઇતિહાસમાં પાટણની ગાદી સ્થાપવામાં મદદ કરનાર ગોપ લોકો હતો. અને અલ્લાઉદ્દીન સામે હિંદુપદ-પાદશાહી માટે લડનારા ગુજરાતી ભરવાડો હતા.’ (પૃ. ૪૦, ભા. ૧).

સમુદ્રવિજયની કુશાગ્રતાથી ગોપ લોકોની મદદ સાથે કંસના પ્રતાપી શાસનની છાયામાં એક કાવતરું ગોઠવાઈ ગયું. બાળકની બદલીનું કાર્ય પણ એવા સમયે ગોઠવાયું જ્યારે મુશળધાર વરસતી શ્રાવણની મેઘલી રાતે બે બાજુ છલકાતી જમના કિનારે ચકલું ય ન ફરકે. આ રીતે કારાગાર ખૂલ્યા કઈ રીતે અને કોના દ્વારા એ કહેવાની જરૂર નથી. લેખક ક્રાંતિમાં સહાય કરનારા આવા લોકો માટે એટલું જ કહે છે, ‘નામ કીર્તિ માટે કામ કરનારા એ લોકો નહોતા’ (પૃ. ૪૧). એ જમુનાએ બે ભાગમાં વહેંચાઈને વાસુદેવને માર્ગ આપ્યો એવું નહીં પણ લેખક તો કહે છે, ‘સાગર જેવી જમુના તરી વાસુદેવ પેલે પાર પહોંચ્યા.’ (પૃ. ૪૧)

એ જ રીતે અહીં નાગ એ પશુસૃષ્ટિનો જીવ નથી, એ તો અનાર્ય