પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૫
 

પેદા જ ન થાય !’ (પૃ. ૯૭, ભા. ૧) અને બલરામને આ વાત સ્વીકારવી પડે છે. એ વૈરાટ્યાને વચન આપે છે કે પોતે એક વખત યુદ્ધપ્રેમને બદલે પ્રેમયુદ્ધ ખેલી બતાવશે. એકાદ યુદ્ધ થતું થંભાવશે અને નહીં થંભે તો એમાંથી અળગા થશે. અને એ રીતે કુરુક્ષેત્રનું યુદ્ધ થંભાવવાના એમના પ્રયત્નો અસફળ થાય છે ત્યારે તેઓ એ નરસંહારાત્મક યુદ્ધથી અળગા રહે છે.

જરાસંઘની જેમ શિશુપાલ પણ આતતાયી સૃષ્ટિનો પામર જીવ છે. અસત્યનો પક્ષકાર, હલકો, મિથ્યાભિમાની, નીચલી કક્ષાની રસરુચિવાળો આ રાજવી એની નફ્ફટાઈને કારણે પોતાનો સર્વનાશ નોતરે છે. તો નેમનાથનો ભાઈ રથનેમિ મનચલો યુવાન છે. એનું નિરૂપણ અહીં સદ્-અસદ્ તત્ત્વોના મિશ્રણરૂપે થયું છે. શિશુપાલ, જરાસંઘ, દુર્યોધન, અશ્વત્થામા વગેરે માત્ર અસદ્ તત્ત્વોનાં પૂતળાં લાગે છે જ્યારે રથનેમિ બંનેનું સંમિશ્રણ છે. રાજ્યશ્રી તરફ એને એના રૂપને કારણે આકર્ષણ છે. આ આકર્ષણ જ તેને વિવેકહીન બનાવીને તેમનાથી લગ્ન કર્યા વગર રાજુલને ત્યજીને જાય છે ત્યારે રાજુલ સાથે લગ્નપ્રસ્તાવ મૂકવા પ્રેરે છે. એ વખતની એની સ્વાર્થપૂર્ણ વર્તણૂક આપણને કઠે છે. સાધ્વી રાજુલ સાથેનું સાધુરૂપમાંનું એનું વર્તન તો નિર્ભર્ત્સના પ્રેરે એવું જ છે પણ જેમ પારસસ્પર્શે લોઢું સોનામાં રૂપાંતરિત થાય એમ રાજ્યશ્રીના ઉદાત્ત શીલ અને વિચારના સ્પર્શે તેનું વાસનાવમળમાં અટવાતું મન સંયમની શ્રીને ગ્રહીને પવિત્ર બને છે. એનો સંઘર્ષ એનામાંના માનવીય તત્ત્વને નવલકથામાં સ્મરણીય બનાવે છે.

માનવતાના શત્રુ સામે તન, મન, ધનથી લડતા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ જ સજ્જનોના પરિત્રાણ અને દુષ્ટોના દમન માટે થયો છે. યુદ્ધને તેઓ અંતરથી તિરસ્કારે છે. એમને એ પણ ખબર છે કે યુદ્ધ પાસે સારાસારનો વિવેક નથી. એમાં ન્યાયની જીત થાય એવું પણ નથી. યુદ્ધમાં તો બળિયો જ બે ભાગ લઈ જાય છે. યુદ્ધ એ પશુતા છે. એને પાંગરવા દેવામાં કોઈનું શ્રેય નથી છતાં અમુક પરિસ્થિતિમાં યુદ્ધને તેઓ અનિવાર્ય ગણે છે. તેઓ રાજ્યશ્રીને કહે છે : ‘રાજ ! પૃથ્વી પર પાપની ગંદકી વધી ગઈ છે. યુદ્ધની આગ વિના એને કોઈ સાફ કરી શકશે નહિ. પિતા ધૃતરાષ્ટ્ર