પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

અંધ છે, અને પુત્રપ્રેમ પાસે વિશેષ અંધ બન્યા છે ! દ્રોણ જેવા ગુરુઓ રાજ્યને નિયમનમાં રાખનાર રહ્યા નથી, એમણે રાજ્યાશ્રય સ્વીકાર્યો છે, ને એ રાજ્યાશ્રિત બની ગયા છે. પૃથ્વીને સત્યનો સંદેશ આપી શકે એવા ભીષ્મ જેવા પુરુષો પૈસાના દાસ બન્યા છે ! શું આવી સડેલી ધરતી તું સાચવી રાખવા માંગે છે ?' (પૃ. ૪૮૭, ભા. ૨) સાથે સાથે તેઓ એ બાબતમાં સ્પષ્ટ છે કે, 'યુદ્ધમાં આપણે સત્યના પક્ષે હોઈએ એટલું જ જોવાનું. પછી હારજીતની બાબતમાં અનાસક્ત થઈ જવાનું.' (પૃ. ૩૭૩, ભા. ૨) વિશ્વમાં સત્યનું રાજ્ય સ્થપાય એ માટે યુદ્ધ લડવાનું ઉચિત માનનાર શ્રીકૃષ્ણનું પાત્ર અહીં લેખકે કર્મવીર યોગી તરીકેનું નિરૂપ્યું છે.

નવલકથાની સમગ્ર પાત્રસૃષ્ટિ ઉપર છવાઇ જતા નેમ-રાજ્યશ્રી એક ચેતનાના બે અડધિયાં જેવાં ઉપસ્યાં છે. જગતને મોહમાયાના ફંદામાંથી બચાવવા જન્મેલા વિશ્વપુરુષ નેમનાથી પ્રેમની મુશળધાર વર્ષા જગતના મેલા અંતરપટને સ્વચ્છ બનાવે છે. યૌવનની લોહચુંબકીય દુનિયામાં એ મીણની મૂર્તિ બનીને રહે છે. જેને ગમે તેવું કાતિલ તેજાબી જોબન પણ ગાળી શકતું નથી. એમને અધ્યાત્મ દ્વારા રાગદ્વેષને દૂર કરી જગતને પ્રેમભર્યું બનાવવાની ઝંખના છે. પોતાના પ્રેમમય આત્માના અણુઓને પ્રેમજલથી આર્દ્ર અને કરુણાથી સભર બનાવી ચૌદ લોકમાં છાંટવા છે, જેના દ્વારા દ્વેષનો દાવાનલ પ્રેમસરોવર થઈને સૌને પ્રેમજળમાં સ્નાન કરાવે. આ અર્થમાં તેઓ પ્રેમાવતાર છે. આવા પ્રેમસાગરને હૃદયમાં ધરવાની ઝંખનાવાળી રાજ્યશ્રી નારીરૂપની નરવી છબી હતી. એના મસ્ત બેપરવા સ્વભાવ અને ગરવા વ્યક્તિત્વમાં એવી ખુમારી હતી કે જનમ જનમના ભેખધારીના ભગવા પણ ઊતરી જાય. લગ્નને એ કામ જીતવાનો દિવ્ય પ્રયોગ માનતી હતી. એને મન લગ્ન એ દેહની ક્ષુધાને ભુલાવીને આત્માની ક્ષુધા જગાવવાની દિવ્ય ભૂમિકા હતું. સ્થૂલ દેહલગ્ન દ્વારા આત્મિક પ્રેમના રાજમાર્ગે સંચરવામાં માનતી આ નારી સાથે ભલે સ્થૂલરૂપે નેમનાથનું લગ્ન થયું ન હોય, નેમનાથના આત્મા સાથેનું એનું મિલન એની જીવનનૌકાને વાસનાના ક્ષુદ્ર ને તોફાની તરંગો પરથી તારીને દિવ્યલોકની યાત્રી બનાવે છે.

આ ઉપરાંત આગ અને ગજવેલમાંથી ઘડાયેલી મૂર્તિ સમાન સત્યા-રુકિમણિ