પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૯
 

આવી ગયો છે. બળદમાં એ કાગડાના સમૂહને ઉડાડવાની પણ શક્તિ નથી. નેમિનાથથી આ જોયું જતું નથી. એ મણિ ફેંકી કાગડાને ઊડાડી મૂકે છે. ત્યારે યાદવો બોલી ઊઠે છે : 'કાગડાને ઉડાડવા મણિ ફેંકી દીધો ?' નેમનાથ જવાબ આપે છે, 'ના, ના, મેં આ દ્વારા મારા આત્મારૂપી મણિની રક્ષા કરી લીધી.' (પૃ. ૨૯૨-૨૯૩, ભા. ૧). એ જ રીતે યાદવ મુત્સદીઓ તેમની ક્ષમાભાવના અને વૈરાગ્યની વાતો માત્ર ગરજ પૂરતી છે એ સમજાવવા હાથી અને મૃગની દૃષ્ટાંતકથા રજૂ કરે છે. (પૃ. ૩૧૨, ભા. ૧) કુંતા દ્વારા ભીમ અને યાદવોના દરબારને સંદેશારૂપે કહેવાયેલી વિદુલા અને તેમની પુત્રની દૃષ્ટાંતકથા ભીમને 'હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'નો સંદેશ આપે છે. (પૃ. ૩૮૭)

રાજકારણ વિષેના જયભિખ્ખુના કેટલાક વિચારો પાત્રમુખે વ્યક્ત થાય છે. જેમ કે યાદવો નેમિનથની આગળ રાજને કાચા સોના તરીકે ઓળખાવે છે. અને કહે છે કે એકવાર એ સોનું હસ્તગત થયા પછી જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘડી શકાય (પૃ. ર૯૦, ભા. ૧). 'યોગી તે રાજા અને રાજા તે યોગી' એ લેખકની પ્રિય ભાવના એમની અન્ય નવલોની જેમ અહીં પણ પાત્રમુખે ગુંજે છે. રાજકારણમાં લોકનેતાએ લોકપ્રશંસા કે લોકનિંદા પર ભરોસો ન રાખવો જોઈએ. એ બંને તો કાચિંડાની જેમ રંગ બદલતા હોય છે એવું પણ રાજકારણનું સત્ય પાત્રમુખે એક સ્થળે વ્યક્ત થાય છે. (પૃ. ૨૯૧, ભા. ૧)

અન્ય નવલોની જેમ આ નવલકથાનું ગદ્ય પણ સર્જકના હાથે કલ્પના, રૂપક, ઉપમા વગેરેથી સુચારુ બન્યું છે. કેટલાક શબ્દપ્રયોગો ગદ્યની લઢણને રઢિયાળું રૂપ આપે છે. જ્યભિખ્ખુનું ગદ્ય યથાપ્રસંગ અવનવાં રૂપો ધરે છે. વર્ણનોમાં તો ઉપમાઓની આવલિ લેખકને જાણે કે અતિપ્રિય હોય એવું જણાય છે. આમેય ઉપમા સાથે એમને વધારે પ્રીતિ જણાય છે. જોકે આ નવલકથામાં તો અવનવી કલ્પનાને વ્યક્ત કરતાં રૂપકો, સમાસો, શબ્દપ્રયોગો પણ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. કેટલીક ઉપમાઓ સુંદર છે. જેમકે 'મદભરી પ્રિયાના લાલ નયન સમો સૂરજ' (પૃ. ૩, ભા. ૧), ડાલામથ્થા સિંહના જેવા મોટા માથાવાળા ગોવાળો (પૃ. ૧૨, ભા.