પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૮૧
 

દ્વેષ, વેર, લોભ, મોહરૂપી ઢોર તોફાન કરતાં જ હોય છે. એમને હું ચોરીશ. (પૃ. ૨૦૨, ભા. ૧), રુકિમણીની જેમ રાજ્યશ્રી પણ તેમની સાથે આવું લગ્નસ્થળ પસંદ કરીને પરણે છે : ‘એ મંડપનું નામ હૃદયમંડપ ! ભારે શણગાર હતો એનો ! પ્રેમપતાકાઓ ચારે તરફ ઊડતી હતી. વાસના ઉપરના વિજયના એના થાંભલા હતા. કરુણાના ઝરૂખા અને અખંડ આનંદના વાજિંત્ર ત્યાં બજતાં હતાં. એ હૃદયમંડપ નીચે બેસીને નેમ સાથે હું પરણી’ (પૃ. ૪૨૦, ભા. ૨), એ જ રૂપક આગળ લંબાય છે, ‘પહાડ વેદી બનાવ્યો, સત્યને અગ્નિ બનાવ્યો, પુણ્ય પુરોહિત ત્યાં આવી બેઠો. એણે ચાર જન્મને ચાર ચોરી બનાવીને હું અને નેમ ફેરા ફર્યા’ (પૃ. ૪૨૦, ભા. ૨) નેમિનાથ સાથેના પોતાના હૃદયલગ્નની ઓળખાણ સખીને તે આ શબ્દોમાં આપે છે : ‘કેવા લગ્ન ! સંયમ પિતા ! શ્રદ્ધા માતા, વિવેક વીરો, ધીજ બહેનડી ! ત્યાગની બલિવેદી અને સમર્પણનો અગ્નિ ! ચાર ફેરા અમે ફર્યા તે જાણે અમે ચાર ગતિ ટાળી (પૃ. ૪૨૯, ભા. ૨) પશુવાડાને જયભિખ્ખુ કુરુક્ષેત્રનું રૂપક આપતાં કહે છે, '‘એ પણ એક કુરુક્ષએત્ર જ છે ને !’ (પૃ. ૪૫૭, ભા. ૨). પણ અત્યારે રાગદ્વેષી ભરતી ભયંકર હતી. હૃદયના-પ્રેમના તમામ ટાપુઓ એ ભરતીમાં ડૂબી ગયા હતા. (પૃ. ૫૦૧, ભા. ૨).

પ્રેમાનંદના ‘ચંદ્રહાસાખ્યાન’ની વિષયાની યાદ આપતું એક નાનકડું પણ રઢિયાળું શબ્દચિત્ર આછા લસરકે સરસ ઉપસાવાઈ ગયું છે. રાજશ્રીએ પ્રિય નેમને લખેલો પત્ર સખી દ્વારા પહોંચાડવો છો. નજીકમાં જ મધુમાલતી અન્ય સ્વજનો સાથે સૂતી છે એને જગાડીને વાત કરવા બહાર લઈ જતી વખતે સહેજ પણ અવાજ ના થાય એ રીતે બહાર નીકળવાની મધુમાલતીની ક્રિયા, એ માટે ઝમકતાં ઝાંઝરને પગમાં ઊંચે ચડાવી દેવાની સ્વભાવોક્તિ સુંદર ચિત્ર નિર્માણ કરી આપે છે. ‘મધુમાલતી ચકોર સખી હતી’ એણે પગનાં ઝાંઝર ધીરેથી ઊંચા કરી લીધાં ને ઊંચા પગે રાજ્યશ્રીની પાછળ પાછળ ચાલી (પૃ. ૪૦૭, ભા. ૨).

કેટલીક સુંદર કલ્પનાઓ ઉપરના અલંકારોમાં તો છે જ પણ આ સાથે કેટલીક શૈલીપ્રયોગના સુંદર નમૂના જેવા કે – ઊગતા પરોઢ માટે લેખક લખે છે : ‘સૂરજે સોનાનો ચંદરવો આભમાં બાંધ્યો’ (પૃ. ૧૪૭, ભા. ૧),