પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૮૩
 


સત્યની તલવારથી અને ધર્મની ઢાલથી સંસારની રક્ષા કરનાર ભગવાન મહાવીર અને બુદ્ધને થઈ ગયે ચારસોએક વર્ષ પસાર થયાં હતાં. એમણે પ્રવર્તાવેલો ધર્મ ધીમે ધીમે સમાજમાંથી નિર્મૂળ થતો જતો હતો. ધર્મને નામે વામાચાર અને અનાચાર બધે પ્રસરી ગયા હતા. ધાર્મિક આડંબરો અને કલહોએ આખા સમાજને ઘેરી લીધો હતો. પૂજા કરતાં પાખંડનું જોર વધી પડ્યું હતું. મંત્ર-તંત્રની બોલબાલા હતી. નરમેઘ, પશુબલિ, નગ્નસુંદરીની પૂજા, મદ્યપાન અને માંસાહાર ધર્મનાં અંગ લેખાતાં હતાં. ધર્મના ઓઠા નીચે અધર્મ પોતાનો પગદંડો જમાવી રહ્યો હતો. દેશ ઉપર અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી હતી. નવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો હતો. એવા સમયે પોતાનાં માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકીને ધર્મની વિનિષ્ટ થતી જતી પ્રતિષ્ઠાની પુનઃસ્થાપના કરનાર કાલકાચાર્ય જૈન મુનિ આચાર્ય કાલકની કથા પ્રસ્તુત કૃતિમાં વણી લેવાઈ છે. જેને મન જીવન એ સમર્પણ યજ્ઞની આહુતિ હતી એવા આ ‘કમ્મે શૂરા સો ધમ્મે શૂરા’ આર્ય કાલકની ધર્મ દ્વારા દેશોદ્ધાર અને વિશ્વોદ્ધારની વિભાવના અહીં આલેખાઈ છે.

મૂળે ક્ષત્રિય રાજકુમાર કાલકને સંસારના વૈભવ-વિલાસ ઉપર વૈરાગ્ય થવાને કારણે એ જૈન સાધુ થયા. એમની બહેન સરસ્વતીએ પણ ભાઈના પગલે દીક્ષા લીધી. સરસ્વતીના રૂપના દિવાના બનેલા ઉજ્જૈનીના રાજા ગર્દભિલ્લે એનું અપહરણ કર્યું. ધર્મનું આવું હડહડતું અપમાન એક રાજાના હાથે થાય એ ઘટના આર્ય કાલકના સાધુહૃદયને હચમચાવી ગઈ. એમણે મહાજનને, મંત્રીઓને, સામંતોને, નગરાદ્યક્ષોને રાજા પાસે મોકલી ધર્મમાં દખલ ન કરવા અને આવા ઘોર પાપકૃત્યમાંથી પાછા વાળવા વીનવ્યા. પણ મદાંધ અને ગર્વાંધ રાજાએ કશું સાંભળ્યું નહીં. ખુદ કાલક પોતે ગયા. ધર્મની દુહાઈ દીધી, માનવતાનો સાદ કીધો, દયાની ભીખ માંગી પણ કામાંધ અને સત્તાંધ રાજાએ એમની વાત ન સાંભળી, ઊલટું આચાર્યને મારી નાખવા માટે એમની ઉપર ગાંડો હાથી છૂટો મૂક્યો. સત્યની અને ધર્મની પુનઃસ્થાપના માટે સાધુવેશ ત્યજીને આર્યગુરુ ઠેર ઠેર ફર્યા, લોકોને, લોકનાયકને જગાડવા મથ્યા પણ શાસકોએ પ્રજાને દાબી દીધી હતી, એટલે