પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : જીવન અને જીવનદર્શન
 


વૈશાખ વદ એકમના રોજ રાણપુરના શેઠ કુટુંબની પુત્રી વિજયાબેન સાથે થયાં હતાં. એમનું ગૃહજીવન મધુર આતિથ્ય અને ઉદાત્ત સંસ્કારની મહેકથી ભર્યું ભર્યું હતું. જયભિખ્ખુ એમના જીવન દરમિયાન સૌ સ્નેહીજનોમાં ત્રણ નામથી જાણીતા હતા. કુટુંબનું એમનું હુલામણું નામ હતું ભીખાલાલ. સ્નેહીઓમાં તે બાલાભાઈના નામે જાણીતા હતા અને સાહિત્યક્ષેત્રે ‘જયભિખ્ખું’ એમનું ઉપનામ લોકપ્રિય બન્યું હતું. ‘જયભિખ્ખુ’ ઉપનામ એમણે વિજયાબેનમાંથી ‘જય’ અને ભીખાલાલમાંથી ‘ભિખ્ખુ’ લઈને બનાવ્યું હતું. મજાદર ખાતે મળેલા લેખકમિલન સમારંભમાં જયભિખ્ખુનો પરિચય આપતાં આ સંદર્ભમાં શ્રી જ્યોતીન્દ્ર દવેએ પોતાની લાક્ષણિક રમૂજી શૈલીમાં કહેલું, “અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામના ‘બાળા’ અને ‘ભાઈ’નો એવો સમન્વય સધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એક ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું ન લાગે માટે એમણે ધારણ કરેલ તખલ્લુસ જયભિખ્ખુ માં એમની પત્ની જયાબેન અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગા કરીને જયભિખ્ખુ બની ગયા !” (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૫૦)

જ્યભિખ્ખુના સાહિત્યિક ઘડતરમાં આમ જન્મજાત શક્તિ સાથે ધાર્મિક પ્રકૃતિના સંસ્કારી અને સાહિત્યપ્રીતિ ધરાવતા કુટુંબમાં જન્મ અને ઉછેરે મૂળગત રીતે ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત માતા-પિતા અને અન્ય સ્વજનો, શિક્ષણ-શિક્ષકો તેમજ અન્ય મહાનુભાવો, પ્રસન્નમંગલ દામ્પત્ય અને પ્રકૃતિસૌંદર્ય પણ સારો એવો ફાળો આપ્યો છે.

કુદરતી સૌંદર્યથી ભર્યાભર્યા વાતાવરણમાં નિવાસ કરવાની જે તક જીવનના આરંભકાળમાં એમને સાંપડી એણે એમના રસરંગીન મિજાજને ઓપ આપવામાં અગત્યનો ભાગ ભજવ્યો છે. એમનું બાળપણ વીંછિયામાં, કિશોરાવસ્થા ડૉ. ક્રાઉઝેએ પોતાની મુલાકાત દરમિયાન ‘હોલીવૂડ’ જેવું જેને ગણાવ્યું હતું એ વરસોડામાં અને વિદ્યાર્થીકાળ કુદરતી સૌંદર્યથી ભર્યાભર્યા શિવપુરીમાં વીત્યાં. પ્રકૃતિસૌંદર્યનો આ સંસ્પર્શ એમના જીવનમાં એક પ્રકારની મસ્તી અને સાહસિકતાને સંભરી ગયો છે. શ્રી મધુસૂદન પારેખ આથી જ કહે છે, ‘એમની કૃતિઓમાં એમને મળેલા ધર્મસંસ્કાર એ જેમ