પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૮૭
 

આ દૃશ્યે એના ધર્મપ્રેમી હૃદય ઉપર સારો એવો આઘાત પહોંચાડ્યો હતો.

‘મહાચક્રપૂજા’ પ્રકરણ (પૃ. ૮૨, ભા. ૧)ના આ નિરૂપણે સાહિત્યજગતમાં પણ ચર્ચાનો ઠીક વંટોળ જગાવ્યો હતો. કૃતિમાંનાં આવાં નિરૂપણો તંદુરસ્ત સમાજનું ઘડતર કરવા ઇચ્છનાર માટે હાનિકર્તા તો નથી નીવડતાંને ? આવું વાચન એના વાચકને મલિનતાના પથ ઉપર દોરી જનારું ન નીવડે શું ? લેખકને આવું નિરૂપણ કરવાની શી જરૂર હતી ? એવો પ્રશ્ન પણ કોઈને થાય ખરો. કૃતિમાંના કલાતત્ત્વને એથી ઘણી વાર હાનિ પણ પહોંચતી હોય છે. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના પહેલા ભાગમાં આવાં કેટલાંક મલિન અને કામવિકારી ચિત્રો આપ્યાં ત્યારે એમના આવા નિરૂપણ સામે ઠીક ઠીક ઊહાપોહ થયો હતો અને એ નિરૂપણ લેખકની રુગ્ણ મનોદશાનું દ્યોતક છે એવો આક્ષેપ પણ થયેલો. આવું નિરૂપણ સમાજને અનીતિના માર્ગે દોરી જવામાં સહાયભૂત નીવડે એવો પણ આરોપ એના સર્જક ઉપર આવે. આ નિરૂપણની યોગ્યાયોગ્યતાના સંદર્ભમાં એક માપદંડ આપણને જોવા મળે છે કે એ નિરૂપણ લેખકે કયા હેતુસર કર્યું છે ? લેખકનો ઇરાદો આવાં નિરૂપણ દ્વારા એના વાચકોની હીન અને મલિન વૃત્તિને ઉત્તેજનાનો હોય, કામવૃત્તિને જગાડવાનો હોય અને એ દ્વારા સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવાનો હોય તો નવલકથાની કલાની દૃષ્ટિએ, નીતિમત્તાની દૃષ્ટિએ એ નિરૂપણ અયોગ્ય છે; પણ લેખકનો ઉપર જણાવ્યો એવો ઇરાદો ન હોય, આવી અનીતિ સમાજને કેવા હિન રસ્તે લઈ જાય છે અને એનું અંતિમ પરિણામ કેટલું ખરાબ આવે છે એ કલાત્મક રીતે દર્શાવવાનો હોય, દેશકાળના સંદર્ભમાં એ વર્ણવવું જરૂરી હોય તો આવું નિરૂપણ યોગ્ય ઠરે છે.

આ નવલકથામાં જયભિખ્ખુએ ‘મહાચક્રપૂજા’માં જે નિરૂપણ કર્યું છે એમાં લેખકનો હેતુ સ્પષ્ટપણે આવા હીન માર્ગે પ્રાપ્ત થતી હાનિને બતાવવાનો છે. મંત્રતંત્ર દ્વારા પ્રાપ્ત થતી આવી સિદ્ધિ છેવટે તો સમાજના અનાચાર, વ્યભિચારને પોષતી હોય છે. સમાજમાં પ્રવર્તતો આ સડો છેવટે સમાજની ઇમારતને પોલી બનાવી સર્વનાશ કરતો હોય છે એ બતાવવાનો છે અને એટલે એના મુખ્ય પાત્રો કાલક-સરસ્વતીને આ વિધિમાં સામેલ