પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

થવાને બદલે નાસી જતાં બતાવાયાં છે. બીજી બાજુ દર્પણ-અંબુજા જે ભાઈ- બહેન હોવા છતાં આ વિધિમાં પતિ-પત્નીને ભોગ્ય એવા યૌનસંબંધો ભોગવે છે એમનો અંત છેવટે ખરાબ આવે છે એ પણ લેખકે ખૂબ જ વિસ્તારથી માર્મિક રીતે નિરૂપ્યું છે. તો પછી લેખકે આવું નિરૂપણ નવલકથામાં શા માટે મૂક્યું એવો પ્રશ્ન થાય ખરો ! એના સંદર્ભમાં કહી શકાય કે લેખક જે કાળનું ચિત્ર આપણી સામે મૂકવા માગે છે એ કાળના યથાર્થદર્શન માટે આવું ચિત્ર જરૂરી છે. લેખકનું આ નિરૂપણ વાચકના મનમાં આ વિધિ તરફ ભાવ ઉત્પન્ન કરે તેવું નથી. એનાં મુખ્ય પાત્રોની જેમ વાચકના મનમાં પણ આ વિધિ તરફ ધૃણા થાય એવા જ પ્રકારનું એ નિરૂપણ છે અને એ દૃષ્ટિએ આ નિરૂપણ કૃતિની કલાત્મકતાને કે નીતિમત્તાને ક્યાંય હાનિ પહોંચાડનાર નીવડતું નથી.

અનાચારના આ વિષદૃશ્યનું દર્શન કાલકના જીવનમાર્ગને પલટાવી નાખે છે. પોતે સામે ચાલીને ગુરુને આ વિદ્યા પાછી આપે છે. એનું ચિત્ત રાજકારણમાં પણ સ્થિર થઈ શકતું નથી. જીવનમાં કંઈક એવું કરવું છે જે દ્વારા આત્માને અનુપમ શાંતિ પ્રાપ્ત થાય. કાલકને સાધુતાના સમરાંગણેથી સાદ પડે છે. વામાચાર, અનાચાર અને પાપાચારમાંથી પૃથ્વીને છોડાવવા કોઈ એને વળી વળીને બોલાવે છે. વિરાગી બનીને સંસારમાંથી ચાલી નીકળવા તૈયાર થયેલા કાલકની સામે સૌન્દર્યમૂર્તિ સુનયના આવી ચડે છે. એના તરફથી ચાંદની રાતે એકાંતમાં નૌકાવિહારનું નિમંત્રણ મળે છે. કાલક સંસારના વિરાગને વગોવવા નહોતો માગતો એટલે જ વિરાગ લેતા પહેલાં એણે પોતાના રાગને - કામદેવને કસોટીની એરણ પર ચડાવવા સુનયનાનું નિમંત્રણ સ્વીકાર્યું. રસિયા વાલમને જીતવા તમામ પ્રકારનો રૂપશૃંગાર સજીને આવેલી સુનયનાને કાલક પોતાના જીવનમાંથી માનભેર વિદાય આપે છે. સુનયનાને પ્રતીતિ થાય છે કે કાલક વાસનાવેલનું સામાન્ય પતંગિયું નથી, સાચા અર્થમાં લોખંડી પુરુષ છે. સુનયનાને સંસારમાં એક જ પુરુષ એવો મળ્યો જેણે એના ચિત્તના વિષને હણ્યું અને કાલકને હણવા જતા એ પોતે જ નિર્વિષ બની ગઈ. દુર્ગંધમય રાજકીય જીવનનું પ્યાદું બનીને આવેલી સુનયના હિંસાની ડાકણ મટી કાલકના હાથે અહિંસાની દેવી બની ગઈ. પોતાના જ મિત્ર દર્પણ - જે મંત્રતંત્રશક્તિથી પિતાને સિંહાસન પરથી