પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

અને કુરુક્ષેત્રના ભીષણ યુદ્ધમાં ધર્મક્ષેત્ર જીત્યું. ધર્મની રક્ષા કાજે, સત્યની સંસ્થાપના કાજે આર્ય કાલકે પોતાનાં સાધુપદ, ગુરુપદ અને આચાર્યપદનું પોટલું વાળીને પીપળે લટકાવ્યું. ક્ષત્રિય ધર્મ અંગીકાર કરી પ્રાપ્ત ધર્મ બજાવ્યો.

અનેક સ્થળે અનેક પ્રકારની કાલકની ટહેલ છતાં જ્યારે કોઈએ પણ આ અધર્મની સામે થવા માટે કાલકને સાથ-સહકાર ન આપ્યો ત્યારે દેશની શક્તિનું નવનીત તારવવા સ્વદેશી દૂધમાં પરદેશી છાશનું મેળવણ કરવું કાલકને અનિવાર્ય લાગ્યું. સાધુનો વેશ છોડવા છતાં અંતરના સાધુપણાને અકબંધ રાખી કાલક શકદ્વીપના પ્રદેશમાં શક એલચી બૈરુત અને તેની પત્ની મધા સાથે ગયા. બીજા ભાગમાં પ્રમુખ પાત્ર તરીકે લગભગ મધા જ રહે છે. આ પરદેશી યુવતી નકલંક નામધારી આર્ય કાલકના જીવનમાં શિષ્યપદે પહોંચી દુશ્મન દળને હટાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. ભારતીય સ્ત્રીથી જુદું એવું એનું શૂરવીર, સ્વમાની અને આખાબોલું વાચાળ સ્ત્રીત્વ એક અનેરી છાપ ઊભી કરે છે. ત્યાંના શકરાજને કાલક પોતાની વિદ્વત્તાથી અભિભૂત કરી શકશહેનશાહત દ્વારા તેમની ઉપર આવી પડેલી આપત્તિના સમયે સાચી સલાહ આપી ભારત લઈ આવે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચાંચિયાઓને પોતાના સાગરિત બનાવી ધીમે ધીમે સેનાને વિશાળ - વ્યવસ્થિત રૂપ આપી ઉજ્જૈની ઉપર આક્રમણ કરે છે અને અંતે કાલકની જ સૂઝને કારણે ઉજ્જૈનીમાંથી ગર્દભિલ્લની સત્તાનો અંત આવે છે. બીજા ભાગમાં મુખ્ય કથા ઓછી છે. આડકથાનો ઉપયોગ લેખકે વિપુલ પ્રમાણમાં કર્યો છે.

જે સમયની વાત લઈને લેખક નવલકથા સર્જે છે એ સમયનું વાતાવરણ- રાજકીય, સામાજિક અને ધાર્મિક – કંઈક આવું છે :

ભારતમાં એ સમયે ગણતંત્ર, જનપદ રાજા અને રાજન્યનાં રાજ્યો હતાં.
એમાં ગણતંત્રોની સંખ્યા મોટી હતી. પંજાબ, રજપૂતાના અને સૌરાષ્ટ્રમાં ગણરાજ્યો હતાં. સતલજના નીચા કાંઠા પર યૌધેયનું મજબૂત ગણરાજ્ય હતું. હિમાલયની તળેટીમાં પણ ગણરાજ્ય હતું.