પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૯૩
 

હોય ! પ્રજાતંત્રની નિર્બળતા કોઈ પણ પ્રકારના સત્તાધારકને સત્તાનો સાચો અર્થ ન સમજાવી શકે. લોકશાહીની વ્યવસ્થામાં પણ પ્રજાતંત્ર નબળું હોય તો નબળાં પરિણામો જ સંભવે. આ રીતે પ્રજાકીય શાણપણના કોઈ પણ દેશકાળમાં અસરકારક બનતા પદાર્થપાઠની આ નવલકથામાં થયેલી અભિવ્યક્તિ જયભિખ્ખુને આર્ષદૃષ્ટાનું બહુમાન અપાવે એવી છે.

નવલકથાની પાદનોંધરૂપે અપાયેલાં કેટલાંક નવાં અર્થઘટનો વિચારણીય છે. જેમકે વર્તમાનકાળના અણુબૉમ્બને લેખક પ્રાચીનકાલીની વિષકન્યા સાથે સરખાવે છે. લેખક કહે છે : “રાજશાસન રાજાશાહીના વખતમાં વ્યક્તિના નાશ માટે વિષકન્યા જેવા પ્રયોગો થતાં. લોકશાસનમાં વ્યક્તિના બદલે સમૂહનું મહત્ત્વ વધી જવાથી સામૂહિત નાશ અર્થે અણુબોમ્બ વગેરેની આયોજના થઈ રહી છે. વસ્તુતઃ ભાવરૂપમાં બંને સમાન છે. સત્તા, સંપત્તિ માટે આ પ્રયોગ તરફની માણસની આદિકાળની આજસુધી એકસરખી રુચિ રહી છે. (પૃ. ૨૧૦, ભા. ૧)

‘મહાચક્રપૂજા’ પ્રકરણમાં આવતા વામમાર્ગના સ્વૈરાચારને લેખક આજના કહેવાતા ઉચ્ચ વર્ણની સ્વૈરલીલા સાથે સરખાવે છે : ‘આજે પણ ઉચ્ચ વર્ગમાં આ જાતના સ્વૈરવિહાર માટે મોટાં મોટાં નગરોમાં હોટેલો, રાત્રિક્લબો ને નાચ-ઘરો ચાલે છે. જેમાં પુરુષ ઇચ્છે તે સ્ત્રીને તેની સાથે લપેટાઈને નૃત્ય કરવું પડે છે.’ (પૃ. ૯૨, ભા. ૧).

સંજીવની રોપ તરીકે પુરાણકાળમાં પ્રચલિત રોપ તે લેખકના મતે કોઈ વનસ્પતિ નથી. એ તો છે આપણું પંચતંત્ર. લેખકના મતે હિંદના પહાડો એટલે વિદ્વાનો. ઔષધિ એટલે હિતકારી બોધવચનો. મૃતકો એટલે અજ્ઞાની પુરુષો મૃતકરૂપી અજ્ઞાનીઓને મહાત્માઓ પોતાનાં બોધવચનો દ્વારા ઉપદેશ આપે છે. અર્થાત્ મૃતક પર જ્ઞાનરૂપી અમર સંજીવની છાંટી એમને અમર જીવવાળા બનાવે છે તે સંજીવની. (પૃ. ૫૭-૫૮, ભા. ૨)

પુરાણકાળની ગર્દભિલ્લ મંત્રવિદ્યાનો વૈજ્ઞાનિક ખુલાસો આપતાં તેઓ કહે છે : ‘પુરાણકાળમાં, મંત્ર, તંત્ર ને યંત્ર ત્રણે વસ્તુ યુદ્ધમાં વપરાતી. ગર્દભી વિદ્યા એ કોઈ મંત્રપ્રયોગ ન હોય ને યંત્રપ્રયોગ હોય એમ પણ સંભવી શકે.’ (પૃ. ૩૧૮, ભા. ૨)