પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પ્રેરકબળ છે, તેમ એમણે કરેલું પરિભ્રમણ એ પણ એક પરિબળ છે. પ્રકૃતિનો રસાસ્વાદ પામીને એમનો જીવ કોળ્યો છે.’ તેમનામાં ‘રોમેન્ટિસિઝમ' દેખાય છે તે ખીલવવામાં આ પ્રકૃતિદર્શનનો પણ ફાળો હશે.’ (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, ડિસે. ’૭૦, પૃ. ૫૧)

કથાવાર્તા વાંચવાનો શોખ જયભિખ્ખુને છેક બાળપણથી જ. આવું સાહિત્ય એકલું વાંચવાનું નહીં..... એ વાંચતાં વાંચતાં જે નોંધવા જેવું લાગે એ નોંધી પણ લેવાનું એ એમની ટેવ. ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ સાથે એમને સમજ ખીલી ત્યારથી અનોખી પ્રીતિ, અને એને કારણે સાહિત્યકાર તરીકે એમના આદર્શ રહ્યા છે - ગોવર્ધનરામ ત્રિપાઠી. ગોવર્ધનરામના જીવને પણ જયભિખ્ખુના સાહિત્યિક ઘડતરમાં ઠીક પ્રેરણા પૂરી પાડી છે. એમના જીવનાદર્શમાંથી પ્રેરણા મેળવીને જયભિખ્ખુએ પણ પોતાના જીવનના આરંભકાળમાં જીવનની કસોટી કરે એવી ત્રણ પ્રતિજ્ઞાઓ કરી. એ પ્રતિજ્ઞાઓએ એમને સંઘર્ષની એરણ ઉપર ઠીક ઠીક કસ્યા પણ ખરા. પણ છેવટે મા શારદાની સેવા-ઉપાસનાની દૃઢ તમન્નાએ જયભિખ્ખુને યશ અપાવ્યો. આ સંદર્ભમાં જયભિખ્ખુ કહે છે, ‘ઊખર જમીનમાં જે વૃક્ષ વાવ્યું તેને ઉછેરતાં કાળી કસોટી થઈ, પણ અંતે તેના પર રંગબેરંગી ફૂલ આવ્યાં, એની રૂપસુગંધથી મન મહેંકી રહ્યું ને લાંબે ગાળે સુસ્વાદુ ફળ પણ બેઠાં.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૧૯)

જયભિખ્ખુને મહાશાળામાંથી મળતું શિક્ષણ નથી મળ્યું. માધ્યમિક શિક્ષણ પણ એમણે અધૂરું જ લીધું છે એટલે અન્ય સાહિત્યકારોની જેમ ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી કે અન્ય સાહિત્યનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાની તક એમને નહીં મળી હોય એવું અનુમાન થાય. પણ આ અનુમાનમાં બહુ તથ્ય જણાતું નથી. વિજયધર્મસૂરિએ સ્થાપેલ વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં તેમણે જૈન તત્ત્વજ્ઞાન તેમ જ જૈન દર્શનનું અધ્યયન કર્યું એની સાથે સાથે હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનો પણ ઠીક ઠીક અભ્યાસ કર્યો છે. શિવપુરીના ગુરુકુળમાં યુરોપીય વિદ્વાનો અભ્યાસ અને નિરીક્ષણ માટે આવે. ડૉ. કાઉઝે નામના વિદૂષી તો વર્ષો સુધી આ સંસ્થામાં રહેલાં. એમના સંપર્ક અને સમાગમને કારણે પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કારનો તેમને પરિચય થયો. મધ્યપ્રદેશમાં લાંબો સમય રહેવાને