પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ગુજરાતી નવલકથાઓમાં જયભિખ્ખુ પહેલાં ‘ગુલાબસિંહ’ કે ‘યોગિનીકુમારી’ જેવી થોડી નવલો સિવાય ધાર્મિક વસ્તુને નવલકથાનું રૂપ આપવાના ક્ષેત્રમાં ઝાઝું ખેડાણ થયું નથી. જયભિખ્ખુએ પોતાની ‘કામવિજેતા’, ‘ભગવાન ઋષભદેવ’, ‘લોખંડી ખાખનાં ફૂલ’, ‘પ્રેમાવતાર’, ‘સંસારસેતુ’ જેવી ઐતિહાસિક નવલોમાં વર્તમાન દૃષ્ટિને રુચે એ રીતે ધાર્મિક વસ્તુને નવલસ્વરૂપે ગૂંથી બતાવી સાહિત્યના એક નહીંવત્ ખેડાયેલા પ્રદેશમાં પડેવી વિસ્તૃત શક્યતાઓનો નિર્દેશ સફળતાપૂર્વક કરી બતાવ્યો છે.

એમાંય એમણે જૈન કથાઓનો પુનરુદ્ધાર કરીને મહત્ત્વની સાંસ્કૃતિક-સાહિત્યિક સેવા કરી છે. જયભિખ્ખુ પહેલાં જૈનધર્મના કથાવસ્તુને વિષય બનાવી જૈન સાધુઓ સહિત સુશીલ, મોહનલાલ ધામી, રતિલાલ દેસાઈ જેવા કેટલાકોએ લખ્યું છે ખરું. એમાં જૈન સાધુઓ દ્વારા રચાયેલી કથાઓમાં જૈન પરિભાષાનું પ્રમાણ એટલું બધું હતું કે જૈન ધર્મના ઊંડા અભ્યાસી સિવાય કોઈ એને માણી શકે નહીં. આ કથાઓ જૈન સમાજમાં જ વંચાતી હતી અને એનો હેતુ પોતાના શ્રોતાજનોની ધર્મભાવનાને દૃઢાવવા સિવાય કશો નહોતો. સુશીલે જૈન કથાઓને લોકભોગ્ય અને સર્વજન્ય બનાવવાનો પહેલો પ્રયાસ કર્યો પણ ઘડાયેલી ભાષાશૈલીના અભાવે અને પ્રચુર પ્રમાણમાં સાંપ્રદાયિક અંશોને કારણે એમની કથાકૃતિઓ લોકપ્રિય બની શકી નથી. મોહનલાલ ધામીએ જૈન કથાનકોને આધુનિક નવલકથા-નવલિકારૂપે રજૂ કર્યાં છે. પણ તેમની કૃતિઓમાં સર્જનાત્મકતાનો સદંતર અભાવ વરતાય છે. મોટે ભાગે કથાવસ્તુની ગતાનુગતિક રજૂઆત જ એમની કૃતિઓમાં જોવા મળે છે. એમનાં કથાનકોમાં વસ્તુની પ્રમાણભૂતતાનો અભાવ, ઉપદેશાત્મકતાનું પ્રાચુર્ય છે. જ્યારે જયભિખ્ખુના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈની જૈન કથાવસ્તુવાળી રચનાઓમાં ઉપદેશાત્મક વલણ વિશેષ અનુભવાય છે. જૈન કથાનકોને જયભિખ્ખુની જેમ લોકપ્રિય બનાવવામાં ચુ. વ. શાહનો ફાળો નોંધનીય છે. પણ એમનાં કથાનકોમાં જૈનધર્મના ઊંડા તલસ્પર્શી અભ્યાસનો અભાવ વરતાય છે.

સૌ પ્રથમવાર જયભિખ્ખુએ જ જૈન કથાનકોને વ્યાપક સંદર્ભમાં અને વ્યાપક પ્રમાણમાં ગુજરાત સમક્ષ મૂકી આપ્યાં છે. એમનાં આ જૈન કથાનકો