પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૯૭
 

માત્ર જૈનોમાં જ આસ્વાદ્ય બન્યાં નથી, એમણે એ કથાઓને સાર્વજનીન રૂપ આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનનો ઊંડો પ્રભાવ જયભિખ્ખુના વ્યક્તિત્વ અને વાઙ્‌મય ઉપર હોવા છતાં એ સાંપ્રદાયિક સર્જક નથી બન્યા એ એમની નવલકાર તરીકેની વિશેષતા છે.

જયભિખ્ખુએ પોતાની જૈન ધર્મના કથાવસ્તુવાળી નવલોમાં કથાઓમાંના મૂળભૂત જીવનવિધાન તત્ત્વને અને માનવીય પરિબળોને જ વિશેષ ઉઠાવ આપ્યો છે. આજ સુધી આપણા શિષ્ટ સાહિત્યમાં જૈન કથાઓનો સર્જનાત્મક ઉપયોગ કરવા તરફ કોઈની ખાસ નજર ગઈ નથી. જયભિખ્ખુએ એ માટે સામગ્રી પૂરી પાડી છે અને દિશા ખોલી આપી છે. આ જ કારણે પંડિત સુખલાલજી જેવા પણ કહે છે, “જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારવાળું કથાસંવિધાન કરનાર હું જાણું છું ત્યાં સુધી જયભિખ્ખુ એક જ છે.” (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, ડિસે. ૭૦, પૃ. ૯૧)

જૈન ધર્મ, તેનું સાહિત્ય અને ઇતિહાસ તથા સંસ્કૃત ભાષાનો સારો પરિચય ધરાવતા જયભિખ્ખુએ જૈન ધર્મમાંથી વિષયો લઈને જે વિપુલ પ્રમાણમાં નવલકથા, ટૂંકી વાર્તા અને અન્ય સાહિત્ય રચ્યું અને સારા એવા પ્રમાણમાં લોકપ્રિયતા સાંપડી છે. પરંતુ સાહિત્યના આ એક નવા જ પ્રદેશને સફળતાથી ખેડી આપનાર સર્જક તરફ ઇતિહાસકારો કે વિવેચકોનું લક્ષ્ય ખાસ ખેંચાયું જણાતું નથી. મોટે ભાગે એમને ‘સાંપ્રદાયિક સર્જક’નું લેબલ જ લગાડી દેવામાં આવ્યું છે. જયભિખ્ખુ એટલે જૈનોનાં સાહિત્યકાર… જૈન કથાવસ્તુને જ આલેખનાર..… એવી ઓળખ જ એમની માટે અપાઈ છે. પણ આ હકીકત સર્વથા સત્ય નથી. જયભિખ્ખુએ જૈનધર્મના કથાનકો વિપુલ પ્રમાણમાં પસંદ કરીને નવલો આપી છે એ વાત સાચી પણ એ નવલોમાં જૈનધર્મ ક્યાંય સંપ્રદાયના વાડામાં બંધાઈને નિરૂપાયો નથી. ‘ભગવાન ઋષભદેવ’, ‘કામવિજેતા’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’ વગેરેમાં જૈનધર્મના વિશાળ સિદ્ધાંતો લોકગમ્યરૂપે જ રજૂ થયા છે. આવાં કથાનકોને નવલસ્વરૂપે