પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

આપવા પાછળનો એમનો ઇરાદો ભારતની ભવ્ય ત્યાગપ્રધાન સંસ્કૃતિનું એક તંદુરસ્ત ચિત્ર જનસમાજ સમક્ષ ઉપસાવી આપવાનો પણ હતો. જયભિખ્ખુએ જૈનધર્મને કદી સંપ્રદાય માન્યો નથી ને એનાં તત્ત્વોમાં એમને કોમવાદની ગંધ જણાઈ નથી. ધર્મ અને સંપ્રદાયને તેઓ સરિતા અને સરોવર સામાન ગણે છે. તેઓ કહે છે : ‘સરિતાનાં નીર જ્યારે આછા ને દુર્લભ થાય ત્યારે સરોવર પોતાના સંચયથી તૃષાતુરની તૃષાને તૃપ્ત કરે છે, પણ એટલું ન ભૂલવું જોઈએ કે એ સરોવરના મહાજળની શુદ્ધિ સરિતાનાં જળથી છે, ને સરોવર ગમે તેટલું મોટું અને વિશાળ હોય પણ સરિતાની વ્યાપકતા ને શુચિતાને એ પહોંચી શકે એમ નથી.’ (‘ભગવાન ઋષભદેવ’ની પ્રસ્તાવના, પૃ. ૮-૯). ધર્મ અને સંપ્રદાય વિષે આટલું સ્પષ્ટ વિચારનાર સંપ્રદાયમાં જીવવા છતાં સાચા ધર્મથી કદી વિમુખ ન જ થઈ શકે અને આવા લેખકને કઈ રીતે સાંપ્રદાયિક સર્જક કહી શકાય ? અલબત્ત, જયભિખ્ખુએ જૈન સંપ્રદાયની કથાસામગ્રીનો ટેકણ-લાકડી તરીકે ઉપયોગ જરૂર કર્યો છે, પણ એ દ્વારા એમને રજૂઆત તો વિશાળ ધર્મતત્ત્વની જ કરવી છે.

જયભિખ્ખુ માત્ર સાંપ્રદાયિત સર્જક નથી, જૈનધર્મને વિષયમ બનાવીને જ નવલો લખતા નથી. એ વાતનો બીજો પુરાવો એ પણ આપી શકાય કે એમણે વિવિધ ધર્મના સિદ્ધાંતોને વિષય બનાવીને નવલો સર્જી છે. એમની ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ વૈષ્ણવી ભક્તિના રૂપ-સ્વરૂપને અને વૈષ્ણવ સંપ્રદાયના પરિવેશને નિરૂપે છે. ‘પ્રેમાવતાર’ મહાભારત તથા ભાગવતના ધર્મતત્ત્વચિંતનને શબ્દરૂપ આપે છે તો ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યવિધાતા’ અને ‘દિલ્હીશ્વર’માં મુસ્લિમ પરિવેશ જળવાયો છે.

ઐતિહાસિક નવલકથાકાર જયભિખ્ખુએ ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ ન હોય એવી વ્યક્તિઓને વિષય બનાવીને નવલો સર્જી છે. મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ વગેરે એનાં ઉદાહરણ ગણાવી શકાય. વળી ચૌલુક્ય, સોલંકી, ગુપ્ત, મૌર્ય વગેરે વંશના રાજવીઓને કથતી ઐતિહાસિક ગ્રંથાવલિઓ તો ધૂમકેતુ, ચુ. વ. શાહ, મુનશી કે ગુણવંતરાય આચાર્ય દ્વારા આપણને ઘણી મળી છે. પણ હેમુ જેવા એક અલ્પપરિચિત નરવીરને કેન્દ્રમાં રાખીને એની આસપાસ શેરશાહ અને અકબરનાં ચરિત્રોને ઉપસાવતી