પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પોતાની ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ આમ ઇતિહાસનો વિવેકયુક્ત ઉપયોગ કરી કલાત્મક નવલકથાઓ સર્જી છે, પણ લેખકનો હેતુ ઇતિહાસદર્શન કરાવવા માટે નવલકથાઓ સર્જવાનો નથી. એમનો હેતુ પોતાને પ્રિય માંગલ્યની જુદી જુદી ભાવનાઓને આ નિમિત્ત શબ્દરૂપ આપવાનો છે. ‘બૂરો દેવળ’ની પ્રસ્તાવનામાં તેઓ કહે છે : ‘સર્જનની પાછળ જેમ અભ્યાસ, અનુભવ અને અવલોકન હોય છે, તેમ કોઈને કોઈ જીવન ઘડતી દૃષ્ટિ પણ રમતી હોય છે. તોજ એની સાર્થકતા લેખાય. મારા લેખન પાછળ મારા દિલમાં પણ કોઈને કોઈ એવી વિચારશ્રેણી રમતી રહી છે. સંસ્કૃતિઓના સમન્વયને લક્ષ્યમાં રાખીને ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ રચ્યું. અસ્પૃશ્યોદ્ધારને ‘મહર્ષિ મેતરાજ’માં ગૂંથ્યો. મહાન મુમુક્ષુ પણ બીજી રીતે ખૂબ જ સરાગ માનવીનું જીવન ‘નરકેસરી વા નરકેશ્વરી’માં રજૂ કર્યું. સબળું નબળાને ખાય એ પાયા પર ઊભી થતી વિશ્વ સમસ્યાને ‘મસ્યગલાગલ’માં આકાર આપ્યો. બિનમજહબી સામ્રાજ્યના એક મહાન પ્રયોગને ‘વિક્રમાદિત્ય હેમુ’ના ત્રણ ભાગમાં સ્પષ્ટ કર્યો ને માનવસંસ્કૃતિના પ્રારંભિક વિકાસને રજૂ કરવા ‘ભગવાન ઋષભદેવ’ આપ્યું. આમ મારી ઘણી ખરી નવલ કે નવલિકાઓ કોઈ આદર્શ, હેતુ કે ધ્યેયને લઈને જન્મી છે. કથયિત્વ વગરનું કથન સામાન્ય રીતે મનને રુચતું નથી.’ (‘બૂરો દેવળ’, પ્રસ્તાવના, પૃ. ૫,૬)

મનુષ્યમાં રહેલા તમસ્ અને રજસ્ જેવા ગુણોના અતિચારને અટકાવી માણસને માણસાઈના પાઠ શીખવતી આ નવલોનું નિર્માણધ્યેય આજના ‘તર્કપ્રધાન અને શ્રદ્ધાઅલ્પ’ એવા સમાજ માટે અને નવી ઊગતી તરુણ પેઢીને માટે તમને ગમે તેવું અને પ્રેરે તેવું સાહિત્ય રચવાનું છે. પ્રથમ પ્રેય થવાનું અને અંતે શ્રેય થવાનું ધ્યેય લઈને આવતી આ નવલો સર્જકના માંગલ્યવાદી દૃષ્ટિકોણની પ્રતીતિ કરાવે છે. વિલાસી જીવન, રાજકીય જીવન અને ધર્મજીવન એ ત્રણેમાં અંતિમ અને ઉચ્ચતમ શિખર છેલ્લું છે એ મંત્ર ‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘રાજવિગ્રહ’, ‘કામવિજેતા’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘પ્રેમાવતાર’ જેવી અનેક નવલોમાં કલાપૂર્ણ સૂચકતાથી ગુંજતો જોવા મળે છે.

ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી, ચાહક જયભિખ્ખુ દ્વારા રચાતી