પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૦૧
 

ઐતિહાસિક વિષયવસ્તુવાળી આ નવલોમાં જીવનમાંગલ્યપોષક આલેખન - કોઈ એક કાળનું નહીં પણ સાર્વત્રિક-સર્વાશ્લેષી અભિગમથી ચિરંજીવ મૂલ્યોનું દર્શન કરાવે છે. એ ઐતિહાસિક નવલકાર તરીકે જયભિખ્ખુની આગવી અને અભ્યાસપાત્ર વિશેષતા છે. જેમકે ‘પ્રેમનું મંદિર’માં જયભિખ્ખુએ ઇતિહાસ-પુરાણની જે ઘટનાઓ લીધી છે એ નામફેરે જાણે કે અર્વાચીન છે. સ્થળ, કાળ, વ્યક્તિઓનાં નામકરણ નવાં કરીએ તો જાણે અત્યારે બનતા બનાવોનું જ એમાં ઇતિવૃત્ત છે. કૌશાંબી, અવન્તી, ચંપા કે વિદેહને સ્થાને ઇટલી, જર્મની કે રશિયાનાં નામ અવશ્ય મૂકી શકાય. એ જ રીતે ‘વિશ્વમાત્રનો માનવ એક છે’ એ ઘોષણા કરતાં ઋષભદેવના પાત્ર દ્વારા માનવીને વિશ્વમાનવી બનાવવાનો ગાંધીજીનો સંદેશ જ જાણે સંભળાય છે; એ જ રીતે ‘સંસારસેતુ’માં પૌરાણિક કથાસંદર્ભ દ્વારા જયભિખ્ખુએ માણસની પંથ, પક્ષ કે જાતિ વગરની માણસ તરીકેની યોગ્યતા, મહાનતાની અર્વાચીન ભાવનાને શબ્દરૂપ આપ્યું છે.

જયભિખ્ખુનું ચિત્ત નવલકથાના આલેખન માટે ‘નવલ’ વિષયવસ્તુનો આગ્રહ રાખતી વેળાએ ઇતિહાસના અંશોને સ્વીકારે છે, પણ એની પસંદગીમાંય લેખકની આર્ષદૃષ્ટિ જોવા મળે છે. ‘લોખંડી ખાખાનં ફૂલ’નું કથાવસ્તુ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ નવલના આલેખન દરમિયાન આર્ષદૃષ્ટાની જેમ તેઓ વિષયવસ્તુને સર્વદેશકાળભોગ્ય બનાવે છે.

જયભિખ્ખુનું વસ્તુસંકલન મોટે ભાગે કથાના રસમાં ખેંચી રાખે તેવું કુતૂહલદિપક હોય છે. ‘કામવિજેતા’ જેવામાં તો કોઈ સુરમ્ય ચિત્રપટ નિહાળતા હોઈએ એમ પ્રસંગો વેગથી આગળ વધે છે. જેમ ફૂલની એક એક પાંદડી ખૂલતી જાય અને પોતાનું અનેરું રૂપ પ્રગટાવતી જાય તેમ કથામાં ગૂઢ પાંદડીઓ કલાત્મક રીતે નવે નવે રંગે ઊઘડતી જાય છે. ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર’ જેવી કેટલીક નવલોનું વસ્તુ પ્રમાણબદ્ધ અને અંગપ્રત્યંગના સંવાદવાળું હોઈ ઘાટીલું બન્યું છે. નવલકથા પૂરી થાય ત્યાં સુધી વાચકને રસતરબોળ રાખે તેવું અખંડ કુતૂહલસાતત્ય પણ તેઓ જાળવે છે. ‘દિલ્હીશ્વર’ નવલનો અર્ધ ઉપરાંત ભાગ રોકતી ચિંતામણીની કથામાં ઐતિહાસિક તથ્ય ઓછું અને લેખકની કલ્પનાષ્ટિ જ વિશેષ છે.