પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૦૩
 

‘ભગવાન ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’, ‘રાજવિદ્રોહ’ નવલત્રયીની નિરૂપણપદ્ધતિ તો જાણે કાલિદાસ, ભવભૂતિ અને બાણના સમયમાં રાજસભામાં કોઈ પુરાણકથાનું રસમય પારાયણ ચાલતું હોય, શ્રોતાઓ એ રસસરિતામાં સ્નાન કરતા હોય એવી રસમય શૈલીમાં થયું છે.

નવલકથાકાર જયભિખ્ખુ પાત્રોની માવજત કુશળ રીતે કરે છે. પોતાની પૌરાણિક નવલોમાં ધર્મની શુષ્કતાને તેમણે પાત્રોમાંથી ઓગાળી નાખી છે અને માનવતા તથા જીવનના શુદ્ધ આનંદનો રંગ એને લગાડ્યો છે. એમની પાત્રસૃષ્ટિ વિવિધરંગી છે પણ એમાંના ગુણ એકસરખા છે. પાત્રોની પરિસ્થિતિઓમાં વૈવિધ્ય હશે પણ એમના ભાવના-વ્યવહારો લગભગ સમાન છે. દિલાવરી, અમીરી, શૌર્ય, નેક, ટેક, ત્યાગ, સ્વાર્થ, શહીદીની મસ્તી અને ભાવના તથા રસિકતાનો કસુંબલ રંગ એમનાં પાત્રોમાં ઘૂંટાતો જોવા મળે છે. ઇતિહાસપ્રસિદ્ધ પાત્રોનું આલેખન કરતી વખતે નવલકથાકારે પોતાની વિવેકશક્તિને યોગ્ય લાગ્યું એ રીતે પાત્રોનું સંમાર્જન અને સંવર્ધન કર્યું છે. ‘કામવિજેતા’ માંનો સ્થૂલિભદ્ર-કોશાનો પાત્રવિકાસ આ દૃષ્ટિએ નોંધનીય છે. એ જ રીતે દેહની બત્તી કરી, રુધિરનાં તેલ કરી, જીવનને શાસનસેવા માટેની જલતી મશાલ બનાવી દેનાર પદ્મસુંદર જતિનું પાત્ર (‘ભાગ્યનિર્માણ’) જયભિખ્ખુની અનુપમ પાત્રચિત્રણકલાનો યાદગાર નમૂનો બની રહે છે. માણસને આંતર-બાહ્ય ઓળખવાની જયભિખ્ખુમાં પ્રબળ શક્તિ છે. આ શક્તિનાં વિનિયોગને કારણે તેમનાં પાત્રો જીવનનાં જુદાં જુદાં પાસાં જીવતાં છતાં ઉચ્ચ જીવન તરફના તલસાટવાળાં અને લાગણીનાં સ્પંદનોવાળાં હોય છે. વાચકો જ્યારે તેને વાંચે છે ત્યારે તે પાત્રો પોતાનું જ જીવન જીવતાં હોય તેવું અનુભવે છે ને તેમાં તદ્રુપ થઈ જાય છે. ‘ભાગ્યનિર્માણ’માંથી ચિંતામણિનું પાત્રસર્જન કંઈક અંશે આ પ્રકારનું છે. વેશ્યામાંથી વનિતા બનેલી, ઝેરીલી નાગણમાંથી નમણી નાગરવેલ બનેલી ચિંતામણીનો પાત્રવિકાસ તથા એક નારીનાં વૈવિધ્યભર્યાં કરુણમધુર પાસાંઓનું ચિત્રણ જયભિખ્ખુની પાત્રનિરૂપણશક્તિનો સચોટ પરિચય કરાવે છે. આ પાત્રો તેમની વિષમ પરિસ્થિતિમાં જીવનની ઉદાત્ત ભાવનાઓ, પ્રવૃત્તિઓ અને વ્યવહારો પ્રગટ કરે છે ત્યારે એવું નિરૂપણ મુગ્ધ વાચકોને મહાન લાગે છે. અન્યના સુખ કાજે સ્વસંતાનને સોંપી પોતે વેદનાના