પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૦૫
 

એમનું નિરૂપણ છે. જયભિખ્ખુની ‘નરકેસરી’, ‘શત્રુ કે અજાતશત્રુ’, ‘વિક્રમાદિત્ય હેમુ’ જેવી કેટલીક નવલોમાંના સંવાદો કથાને વિકસાવવામાં અને પાત્રોનાં વ્યક્તિત્વને પ્રગટાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. અલબત્ત, નવલકથાને સંપૂર્ણપણે નાટ્યરૂપ આપી શકાય એવા જે સંવાદો મુનશી યોજે છે એટલી સંવાદકુશળતા જયભિખ્ખુમાં ઘણે ઓછે ઠેકાણે જોવા મળે. આમ છતાં જયભિખ્ખુની નવલોના સંવાદ ટૂંકા, સચોટ, માર્મિક અને પરિસ્થિતિ તથા પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ જરૂર છે.

રસનિરૂપણની બાબતમાં પણ જયભિખ્ખુએ ઠીક ઠીક સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે જે પ્રસંગે જે રસની આવશ્યકતા જણાઈ છે તે રસને પૂર્ણ મર્યાદામાં રહીને, ન્યૂનાધિક માત્રા ન થાય એ ધ્યાનમાં રાખીને પોતાની નવલોમાં ગૂંથ્યો છે. શૃંગાર, કરુણ, અદ્‌ભુત અને શાંત રસ એમની ઐતિહાસિક નવલોમાં યથાવકાશ ઉચિત માત્રામાં એમણે નિરૂપ્યા છે. જયભિખ્ખુની ‘કામવિજેતા’, ‘પ્રેમાવતાર’, ‘ભક્તકવિ જયદેવ’ જેવી નવલોમાં શૃંગારનાં સંયોગ પાળ ઓળંગતું નથી. આ નવલોમાંનો શૃંગાર અંતે ઉપશમના શાંત રસમાં જઈને ઠરે છે. શાંત, કરુણ અને શૃંગાર રસનું નુરૂપણ ‘ઋષભદેવ’, ‘ચક્રવર્તી ભરતદેવ’ અને ‘રાજવિદ્રોહ’માં પણ સરસ થયું છે. ત્યાં પણ છેવટે તો સર્વોપરી બને છે ઉપશમનો શાંત જ. ધાર્મિક કથાવસ્તુને વિષય તરીકે પસંદ કરીને ઉદાત્ત જીવનમાંગલ્યને પોતાની નવલો દ્વારા સમાજચરણે ધરવા ઇચ્છતા લેખકમાં એ સ્વાભાવિક પણ છે. જયભિખ્ખુએ જેટલું શૃંગારનું નિરૂપણ ફાવ્યું છે એટલો વીરરસ નિરૂપવો ફાવ્યો નથી. યુદ્ધવર્ણનો લેખક કરે છે પણ એમાં ભયાનકતા તેઓ ઉપસાવી શક્યા નથી. હા, યુદ્ધનાં દુષ્પરિણામો એ જરૂર બતાવે છે. ‘શત્રુ કે અજાતશત્રુ’, ‘નરકેસરી’, ‘સંસારસેતુ’, ‘પ્રેમનું મંદિર’ જેવામાં આ વાતની પ્રતીતિ આપણને થાય છે. ‘વિક્રમાદિત્ય હેમુ’ માં જયભિખ્ખુએ અદ્‌ભુત રસનું નિરૂપણ સરસ રીતે કર્યું છે. ધર્મભાવના અર્થે હેમુની જિંદગી બચાવી એને સફળતા અપાવવા માટેના જૈન જતિના અતિ માનવનિયતિક્રમને પણ પલટાવી નાખવા મથતા પ્રયત્નો, એ હેતુ અર્થે એમની અદ્‌ભુત રસપ્રધાન સાધના અને એક ધર્મવીરને છાજે એવું આત્મસમર્પણ જયભિખ્ખુએ રોચક કલ્પનાશક્તિથી કર્યું છે. (‘ભાગ્યનિર્માણ’, પૃ. ૧૦૩). ‘લોખંડી ખાખનાં