પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૧૧
 

અને મુસ્લિમ સમયના ગુજરાતના જનજીવનને ગદ્યની એક અનોખી છટાથી ઉપસાવી આપે છે. એમાં ટૂંકા વાક્યો અને દૃશ્યાત્મક શબ્દાવલિથી પેદા થતો એક સુંદર મરોડ, છટા અનુભવવા મળે છે. એ જ રીતે આ જ નવલનું ‘ગુણકાની આત્મકહાણી’ (પૃ. ૧૦૬) પ્રકરણ એમાંના ભાવનાત્મક ગદ્યને કારણે નવલમાં જુદી ભાત પાડે છે. ગદ્યશૈલીની દૃષ્ટિએ ‘ભગવાન ઋષભદેવ’, ‘કામવિજેતા’, ‘પ્રેમાવતાર ભા. ૧-૨’, ‘સંસારસેતુ’ વગેરે જ્યભિખ્ખુની ગદ્યકાર તરીકેની શક્તિઓનો ઉજમાળો પરિચય કરાવે છે.

માતબર ઐતિહાસિક નવલો આપી ગુજરાતી નવલકથાસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલોમાં જે કેટલીક મર્યાદાઓ જોવા મળે છે એમાંની કોઈ નવલકથાકારે કરેલા સર્જનધ્યેયને કારણે છે તો કોઈ સરતચૂકને કારણે. જીવનમાંગલ્યલક્ષી લેખકને પોતાના સર્જન દ્વારા સમાજને પ્રેરણા આપવી છે. એને કારણે ક્યાંક ઉપદેશાત્મકતાનું પ્રાચુર્ય થઈ ગયું છે, તો ક્યાંક કલાત્મકતાને ભોગે ચિંતન મુખ્ય બની ગયું છે. ‘દાસી જનમ જનમની.....’ કે ‘પ્રેમનું મંદિર’ અને ‘શત્રુ કે અજાતશત્રુ’ માં કેટલેક સ્થળે આવું થયું છે ખરું, લાંબી લેખણે લખાતાં સર્જકની ‘નરકેસરી’ કે ‘દાસી જનમ જનમની..…’ જેવી નવલોમાં વસ્તુસંકલન થોડું શિથિલ પણ રહ્યું છે ખરું. ‘પ્રેમનું મંદિર’ જેવામાં ક્યાંક પ્રસંગનો વિકાસ કરવા તરફ લક્ષ્ય ઓછું જણાય છે. ત્યાં તેઓ પ્રસંગને શબ્દોથી, અલંકારોથી શણગારીને એમાંથી પોતાને અભિપ્રેત રહસ્યની રજૂઆત તરફ જ વધારે લક્ષ્ય કેન્દ્રિત કરતાં દેખાય છે. છતાં આવું તો એમની નવલસૃષ્ટિમાં ઘણું ઓછું જ છે. પાત્રવિકાસ ક્યાંક અછડતો થઈ ગયો છે. આટલી વિશાળ પાત્રસૃષ્ટિમાં કોઈ પાત્ર એવું પણ આલેખાયું છે જેમાં માનવચિત્તની જે રંગછાયાઓ આવવી જોઈએ તે આવી શકી નથી જેમ કે ‘શત્રુ કે અજાતશત્રુ’માંનું મુનિ વેલાકૂલનું પાત્ર. ક્યાંક વિચારનિરૂપણ અને વર્ણનથી વાર્તાપ્રવાહ મંદ પણ પડેલો જણાય છે. વાતાવરણની પ્રતીતિકારકતા વધારવા ગુજરાતી બાનીમાં અજાણ્યા અરબી-ફારસી શબ્દ-પ્રયોગ પણ સર્જક દ્વારા થઈ ગયા છે. આમ તો જયભિખ્ખુ સાંપ્રદાયિક સર્જક નથી છતાં મુનશીની નવલોમાં જેમ એમનું બ્રાહ્મણત્ત્વ ક્યાંક કલાતત્ત્વને ભોગે કૃતિ ઉપર છવાતું જણાય છે એમ જયભિખ્ખુનું સાંપ્રદાયિક જૈનદર્શન (‘કામવિજેતા’, પૃ. ૩૫ર,