પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

‘ભાગ્યનિર્માણ’, પૃ. ૯૫), કલાત્મકતાને ભોગે પ્રવેશી ગયું છે ખરું. પણ આ મર્યાદાઓ તો નવલકથાકાર જયભિખ્ખુની ગુણસૃષ્ટિની સામે નહીંવત્ છે.

આમ પોતાની વૈવિધ્યસભર તથા માતબર ઐતિહાસિક, પૌરાણિક નવલકથાઓ દ્વારા ગુજરાતી ઐતિહાસિક નવલક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર જયભિખ્ખુની આ નવલસૃષ્ટિ તરફ વિવેચકોનું ધ્યાન ખાસ ખેંચાયું નથી. જૈન ધર્મકથાસાહિત્યમાંથી વસ્તુ લઈને સર્વભોગ્ય નવલકથા લખનાર ગુજરાતી નવલકથાસાહિત્યમાં જયભિખ્ખુ જ કદાચ પહેલા લેખક છે. પ્રાચીન ધર્મકથાને નવીન રસસંભૃત નવલકથારૂપે યોજીએ દિશામાં એમણે આદરણીય પહેલ કરી છે. જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાંખીને એને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર તેઓ સ્થાપી આપે છે. પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ઇતિહાસનો પોતાની નવલોમાં ટેકણલાકડી તરીકે નહીં પણ પ્રમાણભૂત રીતે ઉપયોગ કરીને જયભિખ્ખુએ જે ઐતિહાસિક, પૌરાણિક નવલકથાઓ સર્જી છે. એમાંના વિષયોનાં નિરૂપણમાં પણ એમણે જ પહેલ કરી છે. મુગલકાલીન વાતાવરણને નિરૂપતી એમની ‘વિક્રમાદિત્ય’ની નવલત્રયી કે પછી ‘કામવિજેતા’ અને ‘ભગવાન ઋષભદેવ’માંની નવલત્રયીના વિષયો ઉપર અગાઉ કોઈએ નવલકથાઓ સર્જી નથી. ઇતિહાસની ઘટનાઓના ઉપયોગ દ્વારા જીવનમાંગલ્યલક્ષી ભાવનાઓનું નિરૂપણ કરવા જયભિખ્ખુ સમાજને પોતાના અનોખા કલાવિધાનથી શ્રેયસ્કર માર્ગે દોરે એવું નવલસાહિત્ય નવલરૂપે આપે છે એમાં જ એમની મહત્તા છે તો એવી કૃતિઓને ઇતિહાસગ્રસ્ત થવા દેવાનું વિવેચકો-સંશોધકોને પાલવે નહિ. આ મહાનિબંધમાં તો જયભિખ્ખુની નવલકથા વિશેનું સંશોધન એક પ્રકરણરૂપે છે. આમાંથી ‘જયભિખ્ખુની નવલકથા’ વિશેના એક આખા શોધપ્રબંધની કોઈ અભ્યાસી પ્રેરણા મળશે, તો અહીંનું કર્યું લેખે લખાશે.

☯☯☯