પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

ઇમારત ખડી કરવાનું કાર્ય મુશ્કેલ જરૂર બને. ટૂંકી વાર્તામાં વસ્તુફલક મર્યાદિત હોવાથી એનું સંવિધાન કુશળતા માગી લે છે. ટૂંકી વાર્તા જે બિંદુએ શરૂ થાય તેનાથી જ આગળ વધીને અપ્રસ્તુત અંશોને લાવ્યા વિના, એ જ રસબિંદુએ સમાપન પામે. આરંભમાં એનું જે રસબિંદુ રચાયું હોય એને જ અનુરૂપ સચોટ અંત આવે એ જરૂરી છે. ટૂંકી વાર્તાના આરંભ, મધ્ય અને અંત વચ્ચે સુમેળ અને સુસંગતતા હોવી જોઈએ. ટૂંકી વાર્તામાં બનાવોની ગોઠવણ એવી રીતે થવી જોઈએ કે જેથી એમાં કુતૂહલ જન્મીને સતત રસ ટકી રહે અને બનાવો એના સ્વાભાવિક ક્રમમાં આવતા રહે. કદની લઘુતાને કારણે એમાં પ્રસંગબાહુલ્યને અવકાશ નથી. વીજળીના ઝબકારની જેમ જીવનના એક અગોચર ખંડને ક્ષણમાં આલોકિત કરતી ટૂંકી વાર્તાનો વ્યાપ ભલે મોટો ન હોય, એની દૃષ્ટિ વેધક છે. વ્યાપના અભાવમાંથી ટૂંકીવાર્તા જે ગુમાવે છે તે એકાગ્રતા અને ઉત્કટતાની સાધનાથી પાછું મેળવે છે. ટૂંકી વાર્તામાં જે ઘટના આલેખવામાં આવે તે પ્રતીતિકર લાગવી જોઈએ. આ અર્થમાં ટૂંકી વાર્તાનો સચોટ અંત કેવળ વસ્તુલક્ષી નહિ, પણ ભાવનાલક્ષી પણ બને છે, ઘણી વાર્તાઓનો અંત ભાવકચિત્તને ક્ષુભિત કરી મૂકે, વિચારતું કરી મૂકે એવું આયોજન હોય તો એ વિશેષ અર્થમાં સચોટ અંત જ કહેવાય.

ટૂંકા ફલક ઉપર વિહરતી હોવાને કારણે ટૂંકી વાર્તાએ પાત્રની પસંદગી પરત્વે પણ કરકસર અને સંયમ જાળવવાના હોય છે. મોટે ભાગે એક મુખ્ય પાત્રની આસપાસ જ વાર્તાની ગૂંથણી થાય છે. ટૂંકી વાર્તાના પાત્રો સજીવ, સુરેખ અને વ્યક્તિત્ત્વયુક્ત હોવાં જોઈએ. પાત્ર વ્યક્તિચિત્ર કે જાતિચિત્ર ભલે હોય એમાં જીવંતતા અવશ્ય હોવી જોઈએ. ટૂંકી વાર્તાનાં પાત્રો ગતિશીલ અને અગતિશીલ બંને પ્રકારનાં હોય. વાર્તામાં બંને પ્રકારનાં પાત્રો સરખાં રસ જન્માવી શકે છે. નવલકથાની જેમ ટૂંકી વાર્તાનો સર્જક પાત્રનાં ઘણાં બધાં પાસાઓનું સુરેખ નિરૂપણ પોતાની કૃતિમાં કરી શકતો નથી. એણે તો પાત્રનું અમુક એકાદ પાસે જ સાંગોપાંગ રૂપે નિરૂપવું જોઈએ. ટૂંકી વાર્તાકાર ઇચ્છે તો પોતાની કૃતિમાં પાત્રને આંતરબાહ્ય બંને પ્રકારનો પરિચય પાત્રની થોડી પણ ચમકદાર રેખાઓ દ્વારા કરાવી શકે.

ટૂંકી વાર્તામાં સંવાદનું પણ ક્યારેક નોંધપાત્ર યોગદાન બની રહે છે. એના દ્વારા વાર્તામાં વસ્તુ અને પાત્ર ઉદ્‌ધાટન પામે છે. ટૂંકી વાર્તાના સંવાદો