પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૧૫
 

પાત્રાનુરૂપ અને પ્રસંગોચિત્ત હોવા જોઈએ. આકર્ષક, તેજસ્વી અને ધારદાર સંવાદો ટૂંકી વાર્તાને નાટ્યાત્મક બનાવી શકે. ટૂંકી વાર્તામાં આવતા ટૂંકા અને અણિયાળા સંવાદોએ એક બાજુ પાત્રના વ્યક્તિત્વનો સૂક્ષ્મ પરિચય કરાવવાનો છે અને બીજી બાજુ પાત્રની પરિસ્થિતિનો સમ્યક્‌ બોધ પણ કરાવવાનો છે. લાંબા સંભાષણ જેવા સંવાદોને બદલે ટૂંકા અને યક્તિત્વદ્યોતક સંવાદો વાર્તાને અસરકારકતા પ્રાપ્ત કરાવી શકે. ટૂંકી વાર્તાના આ સંવાદોમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ અને નાટ્યકૌશલ હોવાં જોઈએ. નિર્બળ સંવાદે, ઘણી વાર સારી કૃતિની અસરકારકતા ઘટાડી દે છે તેમ જ તેનાં પાત્રને ફીકા બનાવી દે છે.

ટૂંકી વાર્તામાં વસ્તુ, પાત્ર, સંવાદની જેમ વાતાવરણ એટલે કે સ્થળ અને કાળના યથાપ્રસંગ પ્રગટીકરણનું ખૂબ મહત્ત્વ છે. વાતાવરણ વિના - સ્થળ અને કાળની પાશ્ચાદ્‌ભૂ વિના – ટૂંકી વાર્તા રચી શકાતી નથી. ટૂંકી વાર્તામાં આ સ્થળ અને કાળની પશ્ચાદ્‌ભૂ આપોઆપ ઊપસતી આવવી જોઈએ. પાત્રોનું જીવન દર્શાવાતું જાય એમ એની વિગતો ઉપરથી સમય અને સ્થળની રેખાઓ ઉપસવા માંડે છે. ટૂંકી વાર્તાકારે વાર્તામાં વાતાવરણનો પશ્ચાદ્‌ભૂ તરીકે જ ઉપયોગ કરવાનો હોવાથી એ જ મુખ્ય ન બની જાય એની સાવધાની રાખવાની હોય છે. ટૂંકી વાર્તામાં વાતાવરણ-નિરૂપણ સમયે જ વાર્તાકારે પ્રતીતિકરતાના તત્ત્વને પણ ધ્યાનમાં રાખવું પડે છે. જે-તે સમયના સ્થળ અને સમયને નિરૂપતા વાર્તાકારે એ સમય અને સ્થળને અનુરૂપ વાતાવરણ ઉપસાવવું પડે છે. ઐતિહાસિક ટૂંકી વાર્તામાં જે-તે સમય અને સ્થળનું તથા સમકાલીન જીવનની વાર્તામાં આજનું વાતાવરણ વાચકને પ્રતીતિકર લાગે એ રીતે આલેખાય એ જરૂરી છે. ક્યારેક વાતાવરણ પ્રતીતિકર અને તાદૃશ બનાવવા વાર્તાકારે વાતાવરણને અનુરૂપ ભાષા કે બોલીનું સભાનતાથી નિરૂપણ કરવું પડે છે.

ટૂંકી વાર્તાકારના વસ્તુ, પાત્ર કે સંવાદને મૂર્ત રૂપ આપવાનું કામ કરે છે વાર્તાકારની ભાષાશૈલી. આથી ટૂંકી વાર્તામાં ભાષાશૈલી એ એક અનિવાર્ય તત્ત્વ છે. શબ્દના સ્વામી બન્યા સિવાય વાર્તાકાર ન થઈ શકાય. કારણ કે વાર્તાકારે થોડા શબ્દોમાં જ વાર્તાની અસરકારકતા સિદ્ધ કરવાની છે એટલે એની પાસે શબ્દવિવેકની સૌથી વધુ અપેક્ષા રહે છે. ભાવકના ચિત્તમાં