પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ચમત્કૃતિ ઉપજાવી શકે, એનું વાર્તામાં સતત ધ્યાન રોકી શકે, એને વાર્તાના નિર્વહણમાં અંતરાય વગર વહેતો રાખી શકે એવા વીણેલા શબ્દોથી જ વાર્તાકારે કામ પૂરું પાડવાનું હોવાથી વાર્તામાં ભાષાશૈલીનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે. ટૂંકી વાર્તાની ભાષા પ્રવાહી અને વાર્તાવિષયને અનુરૂપ હોવી જોઈએ. વાર્તામાં ભાષાનું જોમ, ભાષાનું સૌંદર્ય, ભાષાનો લય, શબ્દકોશની વિપુલતા, વિવિધ વાક્યભંગીઓ, આલંકારિકતા અને પ્રતિકાત્મકતા આ બધાં તત્ત્વો પણ ઔચિત્યપુર:સર સિદ્ધ થવાં જોઈએ.

સાહિત્યનાં અન્ય સ્વરૂપોની જેમ ટૂંકી વાર્તામાં પણ વિવિધ રસોનું નિરૂપણ થાય છે. અલબત્ત, નવલકથા જેવી રીતે એકસાથે અનેક રસોનો આસ્વાદ કરાવી શકે છે તેમ ટૂંકી વાર્તા કરાવી શકતી નથી પણ એક ટૂંકી વાર્તાનો સંગ્રહ આપણને એની જુદી જુદી વાર્તાઓ દ્વારા જુદા જુદા રસનો આસ્વાદ કરાવી શકે છે ખરો. એક ટૂંકી વાર્તામાં તો વધુમાં વધુ બે કે ત્રણ રસનું નિરૂપણ થાય, એમાંય મુખ્ય રસ તો એક જ હોય છે.

કવિતા કે નવલકથાની જેમ ટૂંકી વાર્તા પણ જીવનના કોઈ રહસ્યને સૂચવી જાય છે. અલબત્ત ટૂંકી વાર્તામાં વીજળીના ઝબકારની જેમ આવતું આ રહસ્ય માનવના ચિત્તને ક્ષણમાં આલોકિત કરે એવું હોવું જોઈએ. ટૂંકી વાર્તામાં આવતું આ જીવનદર્શન ઉપદેશાત્મક ઢબે ન આવવું જોઈએ. કારણ કે કોઈપણ કલાકૃતિની જેમ ટૂંકી વાર્તાનું પણ મુખ્ય ધ્યેય તો આનંદની પ્રાપ્તિ કરાવવાનું જ છે.

આમ, ટૂંકું અને ચમત્કૃતિપૂર્ણ વસ્તુ પસંદ કરીને, તેનું કુશળ સંવિધાન યોજીને, સજીવ, સુરેખ અને વ્યક્તિત્વયુક્ત પાત્રોનું સર્જન કરીને, પ્રતીતિકર વાતાવરણ નિરૂપીને અને પ્રસંગોચિત્ત, તેજસ્વી અને ધારદાર સંવાદો યોજીને સચોટ ભાષાશૈલીમાં રસભાવાદિનું નિરૂપણ કરતી ટૂંકી વાર્તા એ સમયના પ્રવાહ સાથે પોતાનું સ્વરૂપ બદલતી રહી છે.

પ્રસ્તુત પ્રકરણમાં જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિનો પરિચય મેળવીએ તે પહેલાં ગુજરાતી સાહિત્યમાં જયભિખ્ખુના આગમન પહેલાં ટૂંકી વાર્તાએ કેવો વિકાસ સાધ્યો હતો તેનું વિહંગવાલોકન અસ્થાને નહીં બને. છેક પુરાતનકાળથી પ્રચલીત એવા આ સાહિત્યમાં પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક