પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

‘વીતકની વાતો’ના સર્જક મટુભાઈ કાંટાવાળા નોંધપાત્ર છે. આ સહુમાં નારીજીવનની દુઃખદાયક કહાણીઓને આવેશપૂર્વક રજૂ કરનાર લીલાવતી મુનશીનું પ્રદાન સ્મરણીય બને છે.

સોરઠની રઢિયાળી ધરતીના કળાયેલ મોર મેઘાણી પાસેથી ‘સૌરાષ્ટ્રની રસધાર’ તથા ‘સોરઠી બહારવટિયા’ના વિવિધ ભાગોમાં જે વિપુલ વાર્તાસૃષ્ટિ મળે છે એની મુખ્ય લાક્ષણિકતા એ ચે કે નવલિકામાં લોકસાહિત્યની વાર્તાનાં તત્ત્વોને વણી લીધાં. ગત યુગની દિલાવરીભરી સંસ્કૃતિની પ્રતિમાઓનું દર્શન કરાવનાર આ સાહિત્યકાર ટૂંકી વાર્તાક્ષેત્રે આ બાબતમાં જયભિખ્ખુના પ્રેરક બન્યા હશે.

ધૂમકેતુ, દ્વિરેફ અને મેઘાણી જેવા સિદ્ધહસ્ત સર્જકોના હાથે અવનવા કલારૂપ પામતી ટૂંકી વાર્તા જ્યારે ૨. વ. દેસાઈના હાથમાં આવે છે ત્યારે વિપુલ એવી વાર્તાસૃષ્ટિના આ સર્જકની વાર્તાઓ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ક્યારેક સિદ્ધ નવલકથાકારના હાથમાંથી નવલિકા છટકી જાય છે ખરી. જ્યારે કવિ-વાર્તાકાર ઉમાશંકરે ‘ત્રણ અડધું બે’, ‘અંતરાય’ અને બહુ પ્રચલિત ‘શ્રાવણી મેળો’ દ્વારા વાર્તાનો જે ચકડોળ ચગાવ્યો એ હજુ પણ ચાલુ જ છે. વાર્તામાં મનોવૈજ્ઞાનિક રહસ્યનું નિરૂપણ તેઓ સૌ પ્રથમવાર લઈને આવ્યા છે. પોતાની વાર્તાઓમાં વેદનાનું ઘેરું ચિત્રણ કરવાને બદલે હળવા સ્પર્શથી વેદનાને તેઓ વ્યંજિત કરે છે.

‘હીરાકણી’, ‘પિયાસી’, ‘ઉન્નયન’ વગેરે વાર્તાસંગ્રહો લઈને આવતા સુંદરમ્‌ની કેટલીક વાર્તાઓમાં માનવહૈયાની વણછીપી તૃષાનું આલેખન વિશેષ પ્રમાણમાં થયું છે. એમની વાર્તાઓનું વાસ્તવચિત્રણ વેધક અને મર્મસ્પર્શે છે. વાર્તાકારનો સમાજવાદી દૃષ્ટિકોણ અછતો રહેતો નથી. ‘ગાતા આસોપાલવ’, ‘તૂટેલો તાર’, ‘સ્વર્ગ અને પૃથ્વી’ના સર્જક કવિ-વાર્તાકાર સ્નેહરશ્મિનું કાવ્યત્વ વાર્તાઓ ઉપર આક્રમણ કરી જાય છે ખરું. આ કારણે એમની વાર્તાઓ ગદ્યદેહે વિચરતાં ઊર્મિકાવ્યો જેવી વધુ બની છે.

ઉમાશંકર, સુંદરમ અને સ્નેહરશ્મિની કવિ-વાર્તાકારોની ત્રિપુટી પછી આવતા પન્નાલાલ અને પેટલીકર ગ્રામજીવનના વાસ્તવદર્શી, ભાવનારંગી આલેખનો લઈને વાર્તાક્ષેત્રે પ્રવેશે છે. એમના આગમન પછી જાનપદી