પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૧૯
 

વાર્તાઓની પરંપરાઓ આપણે ત્યાં સુદઢ થાય છે. પ્રાદેશિક રંગની આ નવલિકાઓમાં પન્નાલાલ પટેલે ‘સુખદુ:ખના સાથી’, ‘જિંદગીના ખેલ’, ‘જીવોદાંડ’, ‘લખચોરાશી’ વગેરેમાં ઇડર પ્રદેશનું, તેમની લોકબોલીની સાથે ચિત્રણ કર્યું છે તો ‘પારસમણિ’ ‘કાશીનું કરવત’ અને ‘લોહીની સગાઈ’ વગેરેમાં પેટલીકરે ચરોતરના જનજીવનને આલેખ્યું છે. પેટલીકરની વાર્તાઓમાં મોટે ભાગે કથાવર્ણન પ્રધાન હોય છે.

પન્નાલાલ પટેલ અને પેટલીકર પછી આવતાં ચુનીલાલ મડિયાથી ગ્રામજીવનની વાર્તાઓમાં મધ્ય સૌરાષ્ટ્રના પ્રાદેશિક રંગોની સાથે મુંબઈનું વાતાવરણ પણ આલેખાય છે. એમની પાસેથી ‘ઘૂઘવતાં પૂર’, ‘પદ્મજા’, ‘ચંપો અને કેળ’, ‘તેજ અને તિમિર’, ‘રૂપ-અરૂપ’, ‘અંતઃસ્રોતા’ વગેરે વાર્તાસંગ્રહો મળે છે.

ઈ. સ. ૧૯૪૪માં સૌ પહેલો વાર્તાસંગ્રહ ‘ઉપવન’ લઈને જ્યારે જયભિખ્ખુ વાર્તાક્ષેત્રે પ્રવેશે છે ત્યારે આમ પાશ્ચાત્ય સંસ્કારોના સ્પર્શવાળું ટૂંકીવાર્તાનું સ્વરૂપ એની ઘણી બધી પાંદડીઓ સમેત વિકસિત થઈ ચૂક્યું હતું. અલબત્ત, સુરેશ જોષી ના આગમન પછી એટલે કે ઈ. સ. ૧૯૫૭ બાદ ટૂંકી વાર્તાના સ્વરૂપમાં જે આમૂલ પરિવર્તન આવ્યું એવી વાર્તાઓ જ્યારે લખવાની શરૂ થઈ હતી ત્યારે પણ જયભિખ્ખુનું વાર્તાક્ષેત્રે પ્રદાન ચાલું હતું. પણ નવી ટેકનીકવાળી વાર્તાઓ આપવા તરફ તેઓ મોટે ભાગે ઉદાસીન જ રહ્યા છે, એવું એના સમગ્ર વાર્તાસર્જન ઉપર નજર કરતાં લાગે. ઘટનાને ગૌણ કરીને વાર્તાના સ્વરૂપને મહત્ત્વ આપતી સુરેશ જોષીના પ્રભાવથી વેગીલી બનેલી ટૂંકી વાર્તાના પણ સમકાલીન રહેલા જયભિખ્ખુએ આ પ્રવાહનું અનુસરણ કર્યું નથી, પણ વિષયવસ્તુ અને સામગ્રીના વૈવિધ્યને સમૃદ્ધ રીતે ટૂંકી વાર્તામાં ઢાળવાનો તેમનો ઉદ્યમ પોતાની અભ્યાસપાત્રતા સિદ્ધ કરે છે એટલું અવશ્ય કહી શકાય.

‘ગુલાબ અને કંટક’ :

શ્રી જયભિખ્ખુ એ સામાજિક, રાજકીય પ્રસંગચિત્રોરૂપે ઓળખાવેલ ‘ગુલાબ અને કંટક’માંની ૩૧ વાર્તાઓ પત્રકારલેખકની કલમનું ફળ છે. ‘દૈનિકના વણસ્પર્શેલા વાતાવરણને સ્પર્શવાનો લાભ મળે એ હેતુથી’ (‘પ્રવેશ