પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

':પૃ. ૫’) લખાયેલી આ વાર્તાઓને એના લાભાલાભ બંને મળ્યા છે. લેખકે અહીં મુખ્યત્વે રાજકીય અને સામાજિક જીવનનાં ગુલાબ અને કંટકને નિરૂપવાનું તાક્યું છે.

સંગ્રહની પહેલી પાંચ વાર્તાઓ નારીજીવનના બહુરૂપી કારુણ્યને વર્ણવે છે. પ્રવેશમાં વાર્તાકાર કહે છે ‘સમાજમાં પ્રગતિની દૃષ્ટિએ સ્ત્રી દાસી મટી દેવી બની છે, પણ એ મંદિરમાં જ દેવ બનીને પુરુષ-પૂજારી પેસી ગયો છે. આખરી વર્ચસ્વ પુરુષનું ! સ્ત્રી પહેરે-ઓઢવે સ્વતંત્ર ! હાલ-ચાલમાં સ્વતંત્ર ! વિહાર-વિલાસમાં સ્વતંત્ર, પણ છેલ્લી ઘડીએ એને પુરુષવર્ચસ્વની બેડીમાં આવવાનું ! એ કંઈ ભૂલ કરે, તો એને એની સજા ખમવાની જ ! ત્યાં ઉદારતાનું એક બિંદુ પણ નહિ મળવાનું !’ (પૃ. ૮, પ્રવેશ) સંગ્રહની પહેલી વાર્તા ‘ધોળી ધજાનો ચોર’ જ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ વાર્તાની નાયિકા પાર્વતી કંટકો વચ્ચેનું ગુલાબ છે એણે વૈધવ્ય ન સહેવાતાં શંકર સાથે ભાગીને લગ્ન કર્યું એ વાત સાચી પણ એના એટલા ગુનાની સજા શંકર અને શંકરના ઘરના અન્ય પુરુષપાત્રો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં મળે છે. સદા સંયમ રાખી, ગરમાગરમ લાવારસને અંતરમાં ઓગાળતી પાર્વતીના રૂપના દિવાના તો અનેક મળે છે. એના રૂપને ભોગવવામાં પતિ ઉપરાંત સસરો અને દિયર પણ પાછા પડતા નથી અને એને કોઈ સ્વમાનયુક્ત જિંદગી આપતું નથી. છેવટે મૃત્યુ જ એની વેદનામાંથી છુટકારો અપાવે છે એનું લેખક દ્વારા વાર્તામાં થયેલું નિરૂપણ એના તરફ ઘૃણા ઉપજાવતું નથી, સમવેદના જન્માવે છે.

‘ગુજરાતની લક્ષ્મી’ની નાયિકા ગુજરાતમાં જન્મેલી પણ કલકત્તામાં લાંબો સમય વસેલી અને મદ્રાસના શિવલિંગમને પરણીને મદ્રાસના એક નાનકડા ગામડામાં આવીને વસેલી છે. એ ભણેલી નથી છતાં ય એનો આતિથ્યભાવ તથા આદરસત્કાર કોઈપણ સંસ્કારી વ્યક્તિથી સહેજ પણ ઊણો ઉતરે એવો નથી. લેખકની એક મીઠી યાદમાંથી આ વાર્તા જન્મી છે. ગુજરાતનું ગૌરવ તથા ગુજરાતપ્રેમને વર્ણવતી આ વાર્તા નારીના એક સંસ્કારી રૂપને ખડું કરે છે.

જયભિખ્ખુ માને છે કે સ્ત્રી હજી પણ મોટે ભાગે નજાકતની પૂતળી,