પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

કરતું નાનકડું શબ્દચિત્ર મળે છે. ‘રુદિયામાં વસતો રામ’માં સમાજ જેને ગંદકી ગણી તિરસ્કારે છે એવી વ્યક્તિઓમાં ઘણી વાર ઉજળી ઉદારતાનું દર્શન થતું હોય છે તેને વર્ણવે છે. સરહદ ઉપર થયેલા ધરતીકંપમાં ઘવાયેલાઓની કંઈ પણ બોલ્યા વગર સારવાર કરતી, સહાય કરતી સિંધ હૈદ્રાબાદની ઇકબાલ નામની વેશ્યાનું પ્રસંગચિત્ર લેખકે ખૂબ ટૂંકાણમાં ઉપસાવ્યું છે.

છેલ્લી ૨૦ થી ૩૧ સુધીની વાર્તાઓ મોટે ભાગે નીતિયુક્ત બોધકથાઓ છે. જેમાં કોઈ પ્રસંગને વર્ણવી એના દ્વારા ઉમદા વિચારને નિરૂપ્યો છે. એકાદ પાનાની કે સોએક શબ્દોની આ વાર્તામાં ટૂંકી વાર્તાનાં તત્ત્વો નહીંવત્ છે. ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’ની પ્રાચીન કથાશૈલીની પદ્ધતિએ જ આ વાર્તાઓનું નિરૂપણ થયું છે. એમાં ‘રૂપાળી આમ્રપાલી - રૂપાળું પંખી’ સદ્‌ચરિત્ર કે ચરિત્ર, બાહ્ય આડંબરની કે દેખાડની વસ્તુ નથી એ તો અંતરનો ઉદાત્ત ભાવ છે એવો ઉપદેશ આપતી વૈશાલીની સુપ્રસિદ્ધ ગણિકા આમ્રપાલીને નિમિત્ત બનાવી ભગવાન બુદ્ધ દ્વારા પોતાના શિષ્યોને અપાતા બોધની કથા છે. ‘હાથીએ ચડીને ચીભડું ખાનાર’ સહજાનંદ સ્વામીના જીવનની નીતિકથા છે. ‘ચકવર્તીનો ઘોડો’ રૂપકાત્મક વાર્તા છે. જેમાં ચક્રવર્તીના ઘઓડાને નિમિત્ત બનાવીને લેખકે સમાજમાંના વહેમી માણસો જેમને હકીકતમાં કોઈ રોગ ન હોવા છતાં વહેમને કારણે જ રોગનો ભોગ બને છે એમનો ઇલાજ વૈદ્ય ડૉક્ટરથી થતો નથી પણ માનસ-ચિકિત્સક દ્વારા જ થઈ શકે છે એ લેખકે બતાવ્યું છે. ‘દેખતા આંધળા’ સંસારમાં દેખતા આંધળાને કટાક્ષ વિષય બનાવતી કથા છે; તો ‘કવિનો મિજાજ’ ઉર્દૂના મહાકવિ મીરના જીવનને નિમિત્ત બનાવી કવિના સ્વમાની સ્વભાવ અને આગવા મિજાજનું શબ્દચિત્ર ઉપસાવે છે. ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ સાહિત્યકારની હૃદયવેદનાને વ્યક્ત કરતી નાનકડી ટહેલ સી વાર્તા છે, જેમાં રમણલાલ વ. દેસાઈએ પોતાને નવલકથા લખવામાં તેજસ્વી પાત્રોનો તૂટો પડ્યો છે માટે તત્કાલીન યુગ પાસે તેજસ્વી પાત્રોની ટહેલ નાખી છે. વાર્તા દ્વારા લેખકને સૂચવ્યું છે કે સાહિત્ય સમાજની આરસી છે. તેજસ્વી નર-નારનો તૂટો પડ્યો છે. એટલે સમાજમાં તેજસ્વી નર-નાર પેદા કરવા-કરાવવાની ટહેલ આ વાર્તા દ્વારા આડકતરી રીતે જયભિખ્ખુ નાખે છે.