પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૨૫
 

‘સુભૂમ રાજાની સેના’ દૃષ્ટાંતકથા છે, જેમાં 'ઘણાં કરે છે આપણે એક નહિ કરીએ તો શું ?’નો જાણીતો ઉપદેશ સુભૂમ રાજાની વાર્તા દ્વારા લેખકે ગૂંથ્યો છે. ‘અપ્સરા ઠગવા આવી’ ઇશ્વરની પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવતી પ્રસંગકથા છે, જેમાં નારાયણ હેમચંદ્રના જીવનનો એક નાનકટો પ્રસંગ ગૂંથાયો છે. ‘જીવનમાં હાર, મૃત્યુમાં જીત’ સહુને માટે જીવનમાં કંટકરૂપ બની જનાર શિવાજીપુત્ર સંભાજીનું દેશપ્રેમથી ઝળહળતું મૃત્યુ એને ગુલાબ કઈ રીતે બનાવે છે તે વર્ણવે છે. જીવનમાં કેટલીક વાર નાના માણસને આવતો મોટકડો વિચાર એને કેવું શ્રેષ્ઠત્વ અર્પી જાય છે એ વર્ણવતી ‘છ માં સાતમો શ્રેષ્ઠ’ બુદ્ધજીવનની દૃષ્ટાંતકથા આપે છે તો શ્રીમદ્ રાજચંદ્ર પોતાના શિષ્યોને આપેલા ઉપદેશની કથા ‘જીવનનાં છાશ અને ઘી’ છાશ જેવા દેહ અને ઘી જેવા આત્મામાંથી રક્ષણ કરવાનો સમય આવે તો ઘીના જેવા આત્માનું માણસે રક્ષણ કરવું જોઈએ એનો ઉપદેશ આપે છે. સંગ્રહની છેલ્લી વાર્તા ‘મેળવનાર કરતા મૂકનાર મોટો’ મેળવનાર કરતાં મૂકનારની ઉદાત્તતાને વર્ણવતી ધૂમકેતુના મુખે કહેવાયેલી દિલ્હી દરબારની કથા છે.

‘ગુલાબ અને કંટક’ની કુલ ૩૧ વાર્તાઓમાં નારીજીવનના કારુણ્યને વ્યક્ત કરતી જે વાર્તાઓ છે એમાં વસ્તુ પાંખુ છે. આ વાર્તાઓમાં સમાજહિતચિંતક વાર્તાકાર સર્જક રહેતો નથી. લેખકને તો પોતે જે શીર્ષક રજૂ કર્યું છે - ગુલાબ અને કંટક – એ શીર્ષકને વિવિધ રીતે સાર્થ રૂપ આપવામાં જ રસ છે. લેખકના મનમાં શીર્ષકના વિવિધ અર્થો રહેલા છે, દેવમંદિર સમાન પૃથ્વીના વિશાળ આંગણામાંના ઉદ્યાનની અનેક ફૂલક્યારીઓમાં ગુલાબ છે અને કંટક પણ છે. એમાં કેટલાક ગુલાબ કંટક સમા છે તો કેટલાક કંટક ગુલાબ સમા છે. જેમકે ‘ભરથરી અને પિંગળા’માંની સાવિત્રી ગુલાબ સમું કટક છે જ્યારે ‘એક પતંગિયાની જીવન કહાણી’માંની સુકન્યા કંટક લાગતું ગુલાબ છે. સમાજમાં એવા પણ કેટલાક વિરલા છે જે પોતાની શક્તિથી કંટકને ગુલાબ બનાવે છે. ‘ગુજરાતની લક્ષ્મી’માંની કાંતા પોતાના કંટકમય જીવનને ગુલાબ સમું બનાવે છે. સમાજમાં એવી પણ કેટલીક વ્યક્તિઓ લેખકને મળી છે જેમણે ગુલાબમાં કાંટા ઉગાડ્યા છે. દા. ત. ‘ધોળી ધજાનો ચોર’ની નાયિકા પાર્વતીના જીવનમાં શંકર જેવાએ કાંટા ઉગાડ્યા છે. શહીદ પીરઅલી બુકસેલર,