પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૩૩
 

ભાગની વાર્તાઓ આપણા જૂનવાણી સમાજ અને સંસારમાં નારીની અવદશા તથા વિટંબણાનો વાસ્તવિક ખ્યાલ આપે છે, જ્યારે બીજા ખંડમાંની વાર્તાઓ નવા સમાજના યુવક-યુવતીઓનો પ્રણય ને લગ્નજીવનનો ચિતાર આપવા મથે છે. સંગ્રહમાંની ‘મુંબઈનું પાણી’, ‘કાઠિયાવાડી’, ‘મુવે મોટી પોક’, ‘મહાજન’, ‘સોનાની મેડી’, ‘સૌંદર્ય કે કલા’, ‘છેલ્લો પ્રયોગ’ નારીજીવનને સ્પર્શતી વાર્તાઓ નથી. સમાજનાં અન્ય પાસાંઓનું એમાં દર્શન થાય છે.

શીર્ષકનામ સૂચવતી પ્રથમ વાર્તા ‘પારકા ઘરની સાચી લક્ષ્મી’ નારીનાં વિધવિધ રૂપ દર્શાવી પારકા ઘરની લક્ષ્મી કોણ છે એ બતાવે છે. સુવર્ણા શ્રીમંતપુત્રી છે, આધુનિકા છે. વિલાસ-વૈભવ અને પ્રિય છે. સુવર્ણાની સાસુ જૂનવાણી છે. વહુને વધુ પડતી છૂટ ન આપવી જોઈએ એમ માને છે. બંને વચ્ચેનો સંઘર્ષ છેવટે શારદાને જુદા રહેવા માટે મજબૂર કરે છે. કુટુંબથી વિખુટો પડેલો શરદ નથી પત્નીના પ્રેમને પામી શકતો કારણ કે પતિને પ્રેમ કરવાની, એની કાળજી રાખવાની સુવર્ણાને ફુરસદ નથી. બીજી બાજું જીવતરના જોતર કરીને ઉછેરેલો પુત્ર જતાં પિતા આર્થિક રીતે ભાંગી પડે છે. વિલાસ-વૈભવમાં છકેલી સુવર્ણા શરદને ગુમાવે છે. મૃત્યુ સમયે શરદ પોતાના જીવનમાં માતૃસ્વરૂપે અને પત્નીસ્વરૂપે આવેલી નારીઓને તિરસ્કારતો બોલી ઊઠે છે, ‘એક તરફ સગી જનેતા, બીજી તરફ સંગિની – બંનેમાંથી એકને મારા તરફ દયા ન આવી. એકને નમતું આપવાનું ન સૂઝ્યું... મા અને પત્નીએ મારી નાવ ડૂબાડી.’ (પૃ. ૧૬). સ્ત્રીનું લક્ષ્મીસ્વરૂપ લેખક આ વાર્તામાં થોડા સમય માટે દેખાતી છતાં છવાઈ જતી લક્ષ્મીના પાત્ર દ્વારા ઉપસાવે છે, જેણે આજની કૉલેજ કે શાળામાં શિક્ષણ નથી મેળવ્યું પણ સંસારની શાળાએ જે આત્મસમર્પણનું સંસ્કારયુક્ત શિક્ષણ આપ્યું એણે એને સાચા અર્થમાં લક્ષ્મી બનાવી. વાર્તાનો કરુણ અંત નારી જ પોતાના સંસારની પોતે ઘણી વાર કેવી ખરાબી કરાવે છે તેનું વરવું વાસ્તવદર્શન આપે છે.

હિંદુ સમાજમાં દીકરીના બાપ બનવું એ કેવું દુઃખકર છે તેનું ચિત્રણ કરતી ‘દીકરીનો બાપ’ વાર્તા ગામના બેતાજ બાદશાહ ગણાતા મલુકચંદ શેઠની દીકરી સવિતાની સાસરે જે અવદશા, અવમાનના થાય છે તેની હૃદયસ્પર્શી સ્થિતિને સારી રીતે વર્ણવે છે. સારો એવો કરિયાવર આપીને