પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પર્યવસાન પામ્યો છે. ટૂંકમાં સંસારના, ઇતિહાસના, સાહિત્યના અને શસ્ત્રના પ્રેરકબળે જયભિખ્ખુ ચેતનવંતા બન્યા છે.

શ્રી પન્નાલાલ પટેલ જેમને ‘પ્રેમના ઉભરા’ તરીકે ઓળખાવે છે તે શ્રી જયભિખ્ખુના વ્યક્તિત્વને વર્ણવવામાં, તેમની જીવનભાવનાને ઉપસાવવામાં ઉમાશંકર જોશીનું આ મુક્તક જરૂર ટાંકી શકાય :

‘નથી મેં કોઈની પાસે વાંચ્છ્યું પ્રેમ વિના કંઈ:
નથી મેં કોઈમાં જોયું વિના સૌંદર્ય કૈં અહીં’

જનજાગૃતિના આ વૈતાલિકમાં અષાઢના મેઘની માફક વરસવાનો ગુણ છે. જેમ સાગર પાણીથી ઘૂઘવે છે તેમ તેમનું અંતર સદ્‌ગુણોથી ઘૂઘવે છે. બીજા પોતાની પ્રકૃતિને વશ થઈને સમાજ પાસે જતાં હોય છે ત્યારે જયભિખ્ખુ જ્યાં બેઠા હોય ત્યાં સંસ્કૃત સમાજ ઊભો થતો હોય છે. એકવાર પરિચય થયા પછી એમના પ્રેમ અને મમત્વનો પ્રવાહ આપણને એવો રસતરબોળ બનાવે કે એમાં સતત સ્નાન કરવાનું ગમે. સ્નેહાળ સ્વજન તરીકે જયભિખ્ખુએ નાનામોટા સહુનો પ્રેમાદર મેળવ્યો છે. સાચદિલ, નિખાલસ મિત્ર અને માર્ગદર્શક તરીકે મિત્રમંડળમાં એમનું માન હતું.

બહોળું મિત્રમંડળ ધરાવતા જયભિખ્ખુની સર્વપ્રિયતાના મૂળમાં બે વસ્તુઓ પડેલી હતી : (૧) પરગજુ સ્વભાવ, (૨) મનની નિર્મળતા. જેની સાથે માત્ર બે આંખ મળ્યાનો સંબંધ હોય તેને માટે પણ કશુંક કરી છૂટવાની સદ્‌ભાવના એમનામાં પડેલી હતી. દુઃખિયાનાં આંસુ લૂછવાનું તેમને જાણે કે વ્યસન હતું.

જયભિખ્ખુની યોજક શક્તિ અજબ પ્રકારની હતી. આ યોજક શક્તિના બધે જ વિવિધ વ્યવસાયના માણસોને તેઓ પરસ્પર સહાયભૂત થાય એ રીતે સાંકળી શકતા. વળી શરીર અસક્ત હોય, આંખ કામ કરતી ન હોય છતાં કોઈનું કામ થતું હોય તો પોતે કષ્ટ વેઠવામાં અનોખું સુખ મેળવતા. આવા સ્વભાવને કારણે સલાહસૂચન અને મદદ માગનારાઓનો પ્રવાહ એમની આસપાસ વીંટળાયેલો જ રહેતો.

એમનો સ્વભાવ બાળક જેવો નિર્મળ હતો. સાચાદિલી અને સાફદિલી એમની સાથે આવનાર દરેકને નાનામોટા પ્રસંગે અનુભવવા મળે. કહેણી