પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૩૫
 

મૃત્યુની આગમાં હોમી દે છે. લોકો પણ આ વાતની ખબર હોવા છતાં પૈસાને જોરે એમને ત્યાં દીકરીઓ દેતા જ રહે છે. રહેંસાતું નારીહૃદય સરિતાના પાત્ર દ્વારા અહીં સારું ઊપસ્યું છે. ખેમા શેઠ જેવા દલાલો વહેમ અને અંધશ્રદ્ધાનું ઓઠું લઈને દીકરીના ગરજાળ મા-બાપને કેવા ફસાવે છે, તે દર્શાવતી આ વાર્તામાં સરિતાના ભાઈ જેવો સુધારક યુવાન પણ છે જેને પોતાની બહેનનું બાવન વર્ષના રોગિષ્ઠ બુઢ્ઢા સાથે થતું લગ્ન અટકાવવું હતું પણ અટકાવી શકાયું નહીં. બહેનને બદનસીબીની આગમાંથી બહાર કાઢવી હતી પણ કાઢી શકાઈ નહીં. પ્રતિષ્ઠાના ડરે સૌએ એમ કરતાં અટકાવ્યો પણ જ્યારે બહેનનું મૃત્યુ થયું ત્યારે આ અનાચાર સામે એનું યૌવન યુદ્ધે ચઢયું. પોતાની બહેનને તો એ અનાચારના ખપ્પરમાંથી ના બચાવી શક્યો પણ અન્યની બહેન-દીકરીનો તો એણે આવા પાખંડીને ખુલ્લા પાડીને ભોગ લેવાતો અટકાવ્યો.

‘રાંડેલો મુરતિયો’ પણ સમાજના એક વરવા રૂપને પ્રગટ કરતી કટાક્ષકથા જ છે જેમાં દીકરીના બાપ ગરજાળ બનીને રાંડેલા મુરતિયા માટે કેવી પડાપડી કરે છે એ વર્ણવાયું છે. ભાંજગડિયાઓ દ્વારા થતી છેતરામણી, પોતાની જ દીકરીનું ગોઠવાય એ માટે દીકરીના પિતાઓની પડાપડી, હજી તો મુરતિયો રાંડ્યો નથી પણ ‘કદાચ રાંડશે’ એવી સંભાવના થતાં જ મુરતિયાને મેળવવા માટે ઊતરી પડેલા ટોળેટોળાં વગેરે નાનકડી વાર્તામાં જુદાં જુદાં શબ્દચિત્રોરૂપે ઊપસ્યું છે. વાર્તાન્તે ચારપાંચ ગરજાળ દીકરીના બાપના મુખમાં મુકાતા શબ્દો ‘ભાઈ રાંડેલો મુરતિયો ક્યાંથી ? આ તો પરખેલું અને નીવડેલું સો-ટચનું સોનું’ (પૃ. ૧૦) કટાક્ષની ચરમ સીમાએ વાર્તાને મૂકી આપે છે. કારણ કે આ ‘સો ટચનું સોનું’ ખરેખર તો એવું પિત્તળ છે જે ઘરમાં વહુને માત્ર સવારથી સાંજ સુધી કામ જ ઢસડવાનું છે. પહાડ જેવી કાયાને કામથી ઓગાળવાની છે, સાસુ-સસરાના મહેણાં ખમવાનાં છે અને માંદા પડ્યે દેખાડ ખાતર દયા પામવાની છે. જેના મૃત્યુની ક્ષણે ક્ષણે રાહ જોવાય છે એવી રુખીના શબ્દચિત્ર દ્વારા આ ‘સો ટચનું સોનું’ ખરેખર કેવું પિત્તળ છે એ લેખકે ઉપસાવ્યું છે.

જ્ઞાતિનાં બંધન ઘણી વાર માનવોનું સત્યાનાશ નોતરે, વિચારોની જડતા માણસને વિકસવા ન દે ત્યારે કેવું પરિણામ આવે એ દર્શાવતી