પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

‘વાંઢાઓનું ગામ’ વાર્તા એક એવા ગામની વાત છે જ્યાં પચાસથી વધારે વાણિયાઓનાં ઘર હતાં પણ બધાં જ વાંઢાનાં. એક જ વાણિયો પરણેલો અને તે જ્ઞાતિ બહાર. જ્ઞાતિના બંધનોને કારણે અન્ય ગામના કોઈ વાણિયા દીકરી દેતા નહોતા એટલે એ ગામ વાંઢાઓનું હતું. પણ એમાં એક વાણિયાએ પટેલની દીકરી સાથે લગ્ન કરી વંશવેલાને જીવતો રાખ્યો એની ઉપર જ્ઞાતિ દ્વારા ગુજરતા ત્રાસનું નિરૂપણ ‘રિવાજના કૂવામાં તરવું સારું પણ ડૂબી મરવું ખોટું’ એ ધ્વનિ પ્રગાટેવ છે.

નારીજીવનનાં સુખદુઃખને વર્ણવતા આ વાર્તાસંગ્રહની ‘મુંબઈનું પાણી’ વાર્તા એમાંના વિષયને કારણે જુદી પડે છે. વાર્તાના લેખકને દર્શાવવું છે એટલું જ કે મુંબઈ - અર્થાત્ કોઈ પણ શહેર એ માનવી માટે કાળું પાણી છે. કારણ કે શહેરના ગંદા વસવાટ, ભેળસેળીયા ખાણીપીણી, વધુ પડતી આરામપ્રદ જિંદગી અને વિલાસ-વૈભવ જીવનની સ્વાભાવિક તંદુરસ્તીને નષ્ટભ્રષ્ટ કરી નાંખે છે. એના પ્રમાણમાં શ્રમયુક્ત, તાંજાં હવાપાણી ને સાદા છતાં પૌષ્ટિક ખોરાકવાળું ગામડાનું જીવન વધારે ઉમદા છે. ગ્રામ અને શહેરી જીવન વચ્ચેનો તફાવત વર્ણવતી વાર્તામાં ગ્રામજીવન તરફનો પક્ષપાત પ્રગટ કરતાં લેખક પાત્રમુખે એક સ્થળે કહે છે, ‘લોકો શહેરી બની માંદલા બને એના કરતાં જંગલી રહી આરોગ્યપૂર્વક જીવે એ મને વધારે ગમતું.’ (પૃ. ૭૮)

‘ચોરાયેલી’ એ સુમંગલા નામની એક એવી સુકોમળી કન્યાની કરુણતાની વાત છે જેની પાસે ઉત્તમ પ્રકારનું બાહ્ય રૂપ ન હોવાને કારણે કદરૂપી છોકરી તરીકે સમાજમાં ચહેરાઈ જાય છે…. વગોવાઈ જાય છે. સગપણના બજારમાં અનેક ટેકાણેથી ઠોકરાયેલી આ કુસુમ કન્યાના મા-બાપ પણ દીકરી સાથે દુશ્મનની જેમ જ વર્તે છે ત્યારે એની સ્થિતિ કરુણતાની પરિસીમા વળોટી જાય છે. ગુણ કરતાં રૂપને વધુ મહત્ત્વ આપતો સમાજ, સમાજના એવા નીતિનિયમોના ખપ્પરમાં હોમાતી આવી સુકોમળ કન્યાની કરુણતાની આ વાત કટાક્ષરૂપે લેખકે રજૂ કરી છે.

અજ્ઞાન, વહેમ અને પરંપરાગત માન્યતાને કારણે ઘણી વાર સ્ત્રી જ સ્ત્રીને કેવી દુશ્મન બને છે એ નિરૂપતી ‘વાંકો સેંથો’ વાર્તા સાસુ-નણંદ જેવા