પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ઉમદા બલિદાન આપે છે એ વર્ણવતી ‘પ્રેમલગ્નની પત્ની’ વાર્તા એના અંતના નાવિન્યને કારણે સંગ્રહમાં જુદી ભાત પાડે છે. સાચો પ્રેમ પોતાના પ્રિય પાત્ર માટે પોતાની જિંદગીનું બલિદાન આપતા પણ અચકાતો નથી. પ્રેમ એટલે માત્ર પ્રાપ્તિ નહીં, પ્રેમ એટલે ત્યાગ.... સર્વ સમર્પણ. એ ભાવને પ્રગટ કરતી વાર્તામાં કિશોર-સુરભિ શ્રીમંત-મધ્યમ ઘરનાં યુવક-યુવતી છે. પ્રેમલગ્નને કારણે કુટુંબથી ત્યજાયેલાં આ બન્ને આર્થિક મુશ્કેલીના વંટોળમાં અટવાય છે ત્યારે માંદગીને કારણે તન-મનથી ભાંગી પડેલા કિશોરને પોતે હવે પ્રાણાર્પણથી પણ કદાચ બચાવી નહીં શકે એવું જણાતાં સુરભિ આડકતરી રીતે એના માતા-પિતાને સોંપી દે છે. આ દરમિયાન માતા-પિતા દ્વારા સુરભિ વિષે અનેક વિકૃત વાતો કિશોરને સાંભળવા મળે છે, કિશોર પણ સુરભિને સાચી રીતે ઓળખી ન શકતાં ફરી અન્યત્ર લગ્ન કરી લે છે ત્યારે લગ્નની પ્રથમ રાત્રિએ જ પત્ર દ્વારા સુરભિના સાચા વ્યક્તિત્વને ઓળખીને પોતાની જાતને ક્યારેય માફ ન કરી શકે એવી પસ્તાવાની આગમાં અટવાય છે. સુરભિનું સ્વાર્પણ, કિશોરના જીવનને બચાવવા એણે લીધેલો નિર્ણય વાર્તાને એક નવા જ પરિમાણ તરફ લઈ જાય છે.

‘ઉષાની લગ્નફિલસૂફી’માં લગ્ન વિષેના બે ભિન્ન-ભિન્ન દૃષ્ટિબિંદુઓ રજૂ થયાં છે. ઉષાને મતે લગ્ન એ ભોગ છે જેમાં સ્વકલ્યાણ જ કેન્દ્રસ્થાને છે. જ્યારે અરુણ લગ્નને ત્યાગ સાથે સાંકળી સર્વસમર્પણ અને અન્ય કલ્યાણ ઉપર ભાર મૂકે છે. અરુણના મતે સાચા પ્રેમીમાં જીવન-સમર્પણની ભાવના હોવી જોઈએ. ત્યાગથી સર્વને વશ કરવાની શક્તિ હોવી જોઈએ. વાર્તા વાર્તા બનવાને બદલે નિબંધ વધારે બની ગઈ છે. વાર્તામાં વ્યક્ત થયેલા વિચારો ઉમદા છે. પણ કલાત્મકતાનો અભાવ જોવા મળે છે. લેખકે શીર્ષક ઉષાને બદલે ‘અરૂણની લગ્નફિલસૂફી’ રાખ્યું હોત તો વધુ ઉચિત જણાત. વાર્તાનો આરંભ કાવ્યાત્મકતાથી યુક્ત છે.

પ્રેમનો પંથ પાવકની જ્વાલા સમાન છે. જેમાં અગ્નિ ઉપર ચાલતા ચાલતા પણ સદાકાળ હસતા રહેવાનું. સમાજ અનેક પ્રકારના જુલમો ગુજારે છતાં એની ફરિયાદ કર્યા સિવાય માત્ર પ્રેમનું ગીત ગાયા કરવાનું એ સૂચવતી યુવાન કવિ નરેશની પ્રેમફિલસૂફીની કથા ‘પ્રેમ પંથ પાવકની જ્વાળા’ પ્રેમના મહત્ત્વને વર્ણવે છે.