પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૧
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
 

‘સૌંદર્ય કે કલા’ વાર્તા જીવનમાં સૌંદર્ય કરતાં કલાનું મૂલ્ય વધારે છે એ દર્શાવે છે. સાચું સૌંદર્ય દેહનું નહીં, આત્માનું છે. દેહના સૌંદર્યના પૂજારીઓ તો દેહ-સૌંદર્ય નષ્ટભ્રષ્ટ થતાં જ નાસી જવાના, જ્યારે આત્માના સૌંદર્યને ઓળખનારનો પ્રેમ જ સાચો છે એ લેખક રૂપસૌંદર્યસ્વામિની નિરંજનાના જીવનપલટાઓ દ્વારા બતાવે છે.

સાચો પ્રેમી પોતાની પ્રેમિકા માટે જીવનનું બલિદાન આપતા પણ અચકાતો નથી. એ સૂચવતી ‘પ્રેમી’ વાર્તા સમાજના શોષિત વર્ગની પીડાને પણ વર્ણવે છે, તો ‘સુંવાળું ઝેર’માં ઘણીવાર રૂપનું સુંવાળું ઝેર પુરુષને વિનાશની કેવી ઊંડી પતનગર્તામાં ધકેલી એના જીવનને, જીવનના આનંદને ક્ષત-વિક્ષત કરી નાખે છે એ નિરૂપે છે. પત્રશૈલીમાં લખાયેલી ‘પરણ્યા પહેલાં અને પછી’ વાર્તા પુરુષ દ્વારા નારીને થતાં ઝાંઝવાના જેવા પ્રેમના અસલ-નકલ રૂપને વર્ણવે છે. એક પત્ર વાર્તાનાયકે પોતાની પત્નીને પરણ્યા પહેલાં લખ્યો જેમાં પત્ની દેવી હતી અને પોતે વિનમ્ર પૂજારી હતો. બીજામાં પત્ની એક હાંસલ કરેલી - ન છટકી શકે એવી દાસી હતી ને પોતે માલિક.

સંગ્રહની અંતિમ વાર્તા ‘મા-બાપ’ જીવનના એક નવા દૃષ્ટિબિંદુને જૂના રૂપમાં મઢીને રજૂ કરે છે. સ્વર્ગના સુંદર ઉપવનમાં રહેતા આદમ અને ઇવે સ્વર્ગના સ્વામીની મના છતાં જ્ઞાનવૃક્ષનાં ફળ ખાધાં અને સ્વામીની આજ્ઞા તોડ્યાની ભૂલને કારણે સ્વર્ગ ત્યજી પૃથ્વી ઉપર અવતરવું પડ્યું, સંસાર પેદા કરવો પડ્યો. દુઃખો વેઠવાં પડ્યાં. પણ આ બધાની વચ્ચે એમણે જીવનના આનંદને ક્યારેય ન ભુલાવ્યો. એમની એક જ વાત હતી, ‘અમે ભૂલ કરી. ભૂલ તો માટીનો માનવી કરે, પણ એ કરેલી ભૂલને આપભોગેથી ઊજળી કરી... દુઃખમાં હાય હાય ન કરજો. દુઃખ તો તમારી કસોટી છે.’ (પૃ. ૨૭૪). કાંટામાં પણ ગુલાબ મૂકનાર દુઃખમાંના સુખને શોધનાર જ જીવનના સાચા સુખને મેળવી શકે એ સંદેશ કથતી વાર્તા લેખકની જીવનમાંગલ્યવાદી દૃષ્ટિની સૂચક બને છે.

લેખક કહે છે તેમ ‘હાથ ચડ્યા કસબ’થી લખાયેલી આ વાર્તાઓ મુખ્યત્વે નારીજીવનનાં દુઃખ-સુખનાં વિવિધ પાસાંને ઉપસાવે છે. નારીજીવનની કરુણતાનું નિમિત્ત ક્યારેક ‘પારકા ઘરની લક્ષ્મી’ કે ‘પરોઢનું