પંખી’માંની સુવર્ણ કે કમલાની જેમ નારી પોતે જ બને છે તો ક્યારેક ‘વાંકો સેંથો’માંની સુજાતાની સાસુની જેમ સ્ત્રી પોતે જ અન્ય સ્ત્રીની દુશ્મન બને છે. કેટલીક સ્ત્રીઓનો જન્મ જ દુઃખો સહન કરવા માટે થયો છે. ‘દીકરીનો બાપ’માની સવિતા, ‘ચોરાયેલી’ માંની સુમંગલા, ‘પાઘડીયે મંગળ’માંની સરિતા આ પ્રકારની નારીઓ છે. સંસ્કાર વગરનું શિક્ષણ નારીને આધુનિકા તો બનાવે છે પણ સાથે સાથે અનાચારની ગર્તામાં ધકેલે છે તે ‘પરોઢનું પંખી’માં બતાવ્યું છે તો કેટલીક એવી નારીની કથા પણ અહીં છે જેમણે શિક્ષણને ઉજાળ્યું છે. સાથે પોતાના વર્તન દ્વારા સમાજમાં ઉજળા આદર્શનો નમૂનો પૂરો પાડ્યો છે. ‘પ્રેમલગ્નની પત્ની માંની સુરભિ પ્રેમલગ્નની સ્વાર્પણ દ્વારા અન્યના જીવનબાગને મહેકાવતી પત્નીનું ઉદાહરણ છે તો પતિનો માર ખાઈને પણ પોતાની મક્કમતાથી અને ઉદાત્ત ગણોથી પતિની શાન ઠેકાણે લાવતી ‘વાંકો સેંથો’માંની સુજાતા નવી સ્ત્રીની અસ્મિતાને પ્રગટાવે છે.
હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન ‘જૈસે થે’ જેવું જ છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં સમાજમાં સ્ત્રીનું સ્થાન સુધર્યું નથી. સ્ત્રી મોટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે. ભોગની સામગ્રી જ બની છે. પુરુષે મરજી પડી ત્યાં સુધી એને ઘરની રાણી બનાવી છે. નહીં તો એનું સ્થાન દાસી સમું જ રાખ્યું છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં લેખકને પાંગરી જણાતી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈ તફાવત પડ્યો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી. અર્વાચિન કાળે એ વિલાસમૂર્તિ છે. એકમાં અંધશ્રદ્ધાનો અત્યાચાર છે તો બીજામાં આધુનિકતાનો અનાચાર. આત્મા, મન, હૃદય બંને સ્થળે ઠોકરાયા છે. સમાજનું સ્ત્રી જેવું અંગ જ્યાં હીણું હોય ત્યાં વિરાટ માનવતા કઈ રીતે પાંગરી શકે ?
આ સંગ્રહની વાર્તાઓ દ્વારા લેખક જાણે કે સૂચવે છે કે ભાવના, સંસ્કૃતિ અને માનવતાના નાતાથી આ સમાજનું દિનપ્રતિદિન અધઃપતન થઈ રહ્યું છે. સમાજના સ્વાર્થાંધોએ એટલી વર્ણસંસ્કારતા જન્માની છે જેનું દર્શન વેદના સિવાય અન્ય કોઈ જન્માવી ના શકે. ‘પાઘડીએ મંગળ’, ‘ટોપીવાળો’, ‘રાંડેલો મુરતિયો’, ‘ચોરાયેલી’ વાર્તાઓમાંનું સમાજદર્શન વેદના સિવાય શું આપી શકે ?