પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ગામ) જેવી સ્પષ્ટવક્તા નારી પણ છે. નારીસૃષ્ટિની જેમ પુરુષસૃષ્ટિમાં પણ ઠીક ઠીક વૈવિધ્ય છે. પત્ની અને મા દ્વારા રહેંસાતો શરદ (પારકા ઘરની લક્ષ્મી) અહીં છે, તો મલકચંદ જેવો દીકરીનો દુઃખિયારો બાપ (દીકરીનો બાપ) પણ છે. સ્ત્રીને વાસના સંતોષવાનું સાધન સમજતા ઓતમચંદ શેઠ (પાઘડીએ મંગળ) અહીં છે, તો એની દલાલી કરનાર ખેમા શેઠ પણ અહીં છે. ભાંજગડિયા પાર્લામેન્ટના સભ્ય સમા લખા શેઠ, પોપટ શેઠ, (રાંડેલા મુરતિયા) અહીં જોવા મળે છે, તો માની ચડાવણીથી પત્નીને મારતો અને છેવટે પત્નીના ઉદાત્ત વર્તને સાચી દૃષ્ટિ મેળવતો જયમન (વાંકો સેંથો) પણ છે. અહીં શીલનું મહત્ત્વ સમજતો જમાદાર અનવર (ઢોળાતું ધન) છે તો સાચો કાઠિયાવાડી લાભચંદ (કાઠિયાવાડી) પણ છે. વશરામકુવાની કરુણતા (મૂવે મોટો પોક) આ વાર્તાસંગ્રહમાં વ્યક્ત થઈ છે તો પ્રેમની ઉદાત્તતા અભિયંજિત કરનાર જગન્નાથ (પ્રેમી) પણ છે. વાર્તાની આ પાત્રસૃષ્ટિ જેટલી વિશાળ છે એટલી વૈવિધ્યવાળી છે. એના રૂપ, રંગ, રેખા અવનવાં છે. લેખકે એમનું રૂપ જેવું નિહાળ્યું છે એવું જ નિરૂપ્યું છે.

વાર્તાના આલેખન માટે ક્યારેક લેખક સંવાદને કામમાં લે છે ત્યાં સંવાદો ટૂંકા, સચોટ, વ્યક્તિત્વદ્યોતક બન્યા છે. જેમકે હિંદુ સંયુક્ત કુટુંબના સાસુ, નણંદનું વહુ સાથેનું અણછાજતું વર્તન વ્યક્ત કરતા સંવાદ (પારકા ઘરની લક્ષ્મી, પૃ. ૧૨), હિંદુ સમાજમાં દીકરીની દયનીય સ્થિતિ વર્ણવતા ‘પાઘડીએ મંગળ’ વાર્તામાંના સંવાદ (પૃ. ૪૩), દીકરીના બાપની મુરતિયો મેળવવા લાળઝરતા લાલચુ મનુષ્ય જેવી સ્થિતિ નિરૂપતા સંવાદ (રાંડેલો મુરતિયો, પૃ. ૫૫). પણ મોટે ભાગે લેખકે કથનાત્મક પદ્ધતિ અપનાવી છે. લેખક પોતે ધીમે ધીમે નિરાંતે વાર્તા કથતો જાય છે, પાત્રો ઉપસાવતો જાય છે. પાત્રોનાં, ઘટનાનાં વર્ણનો આપતો જાય છે. ક્યાંક આ શૈલી કાવ્યાત્મક પણ બની છે. ‘વહુ’ કે ‘મા-બાપ’ વાર્તા ગદ્યદેહી ઊર્મિકાવ્ય સમી બને છે. એમાંના કેટલાંક શબ્દપ્રયોગ તો વાર્તાના કથનને તાદૃશ ઉપસાવી આપે છે. જેમકે કુમારિકાની સાસરે વિદાયના પ્રસંગને વર્ણવતા લેખક કહે છે, ‘રથ ઉપડ્યો ને કુમારિકા એમાં ઝિંકાઈ’ (પૃ. ૧૪૯). અહીં ‘ઝિંકાઈ’ શબ્દપ્રયોગ જ એવો વિશિષ્ટ છે જેમાં દીકરીમાંથી વહુ બનવાની પ્રક્રિયા સુખદ નથી જ બનવાની એનું જોરદાર સૂચન મળી રહે છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, દૃષ્ટાંત