પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ :જીવન અને જીવનદર્શન
૧૧
 


અને કરણી એ બે વચ્ચેના વિરોધ તરફ એમને નફરત હતી. સાચું લાગ્યું તે નિખાલસપણે કહી દેવાની એમને ટેવ હતી. આ સંદર્ભમાં શ્રી હસિત બૂચ કહે છે, 'એમને જે ગમે છે, જે નથી ગમતું, એમને જે પ્રેરે છે, જે ચેતવે છે એ એમની કલમ નિખાલસપણે સૂચવવાની જ. હા, લેખક છે, કલાપ્રેમી છે તેથી કુદરતી રીતે રજૂઆત નક્શીમાં રાચવાની. પરંતુ પેલી નિખાલસતા ત્યાં ય વિગતે વિગતે પ્રતિબિંબિત થવાની જ.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. '૭૦, પૃ. ૧૧૬)

જયભિખ્ખુ જેટલા આદર્શવાદી એટલા જ વ્યવહારુ પણ હતા. આદર્શ અને વ્યવહારનું સુભગ સંયોજન એમના રોજિંદા વ્યવહારમાં જોવા મળતું. તેઓ વ્યવહારમાં સદાય સાવચેત, સૂક્ષ્મ દૃષ્ટિવાળા અને સમાધાનકારી વૃત્તિ ધરાવતા રહ્યા હતા.

શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીને એમના વ્યક્તિત્વનું સૌથી વધારે આકર્ષી ગયેલું પાસું તે તેમનું ચારિત્ર્ય. આ સંદર્ભમાં તેઓ કહે છે, ‘એમના વ્યક્તિત્વ વિષે સૌથી વધુ માન ઉપજાવનારું તો એમનું ચારિત્ર્ય જ છે. આજે જ્યારે સુંદર વિચારો પ્રજાને આપનારા અને ‘મહાન’ તથા ‘પ્રતિષ્ઠિત’ લેખાતા લેખકોમાંના કેટલાક જ્યારે ચારિત્ર્યહિનતાથી કલુષિત થયેલા નજરે પડે છે ત્યારે આ સજ્જનની ચારિત્ર્યશીલતા, ચારિત્ર્યદૃઢતા અને ધર્મભાવના વંદનીય છે. સાદા પણ એટલા જ. વિલાસ એમને સ્પર્શવાની હિંમત કરી શક્યો નથી.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૨૯)

તો શ્રી નટુભાઈ રાજપરાને જયભિખ્ખુની ઝિંદાદિલી આકર્ષી ગઈ હતી. તેઓ કહે છે : ‘શ્રી બાલાભાઈના વ્યક્તિત્વનો મને સૌથી વધુ આકર્ષ ગયેલો અંશ છે. એમની ઝિંદાદિલી, શૌર્ય, સાહસ અને શહાદતની અનેક વાતો લખનારા શ્રી બાલાભાઈ જીવનમાં ય ઝિંદાદિલ રહ્યા છે. અનેક મૂંઝવતા પ્રશ્નો વચ્ચે ય મેં એમને સ્વસ્થ અને પ્રસન્ન રહેલા જોયા છે. શરીર પ્રમાણમાં કસાયેલું અને ખડતલ અને હૃદયના ખૂબ કોમળ. સામા માણસે નાનો અમથો ગુણ કર્યો હોય તો ય ઓછા ઓછા થઈ જાય.’ (‘જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦, પૃ. ૬૮)

સહેજ જાડું ધોતિયું અને ખમીસ – જેનો ઉચ્ચાર તેઓ કમીઝ કરે -