પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રાચીન ભારતીય સાહિત્યમાં હિંદુ અને બૌદ્ધની જેમ જૈન કથા સાહિત્યનો પણ અખૂટ ભંડાર ભર્યો છે. એ ભંડારમાંથી વીણી વીણીને કથીરત્નો બહાર કાઢવાની પહેલ જયભિખ્ખુ દ્વારા જ થઈ છે. જયભિખ્ખુની આ વાર્તાઓ દ્વારા સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું એટલું જ નહીં, પણ સહુ કોઈને આ સાહિત્ય તરફ એક અભિરુચિ જાગી છે અને વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ તથા વિશ્વસંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મના અહિંસા, સત્ય, સંયમ, ત્યાગ, તપ, મૈત્રી પ્રમોદ વગેરે સિદ્ધાંતોનું ઉચ્ચ સ્થાન છે એ વાતનો સર્વત્ર સ્વીકાર થયો છે.

જૈન કથાસાહિત્યના વિશાળ મહાસાગરમાં ડૂબકી મારીને પ્રાપ્ત કરેલ મૌક્તિક ગુચ્છ જેવા આ સંગ્રહોમાંની વાર્તાઓની વિશેષતા એ છે કે એમાં લેખકે જે તે મહાપુરુષના જીવનના એકાદ અંશને વાર્તા તરીકે પસંદ કરીને એની કલાત્મક રજૂઆત કરી છે. જયભિખ્ખુએ અહીં કથાસાહિત્ય કોઈ સંપ્રદાયનું જ ધન હોય એવી માન્યતાને અળગી રાખી કથાના મૂળ ઉદ્દેશને એના આત્માને જાળવીને એને ભાવસભર ભાષા, ઉન્નત કલ્પના તથા ભાવનાદ્રવ્યથી રસાયેલી બનાવીને આપણી સમક્ષ ઉપસાવી છે.

પહેલા ભાગમાંની ‘ઉત્તરદાયિત્વ’ વાર્તા એક ભાનભૂલ્યા, દુરાચારી રાજવીના અન્યાય અને અત્યાચારને દૂર કરીને, ધર્મનમી ગયેલી પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપવા માટે પોતાના માન, પદ, જ્ઞાન અને અંતે જીવનને પણ હોડમાં મૂકનાર આર્યકાલકની કથા કહે છે. મૂર્તિમંત ધર્મ સમાન આર્યકાલકનું પાત્ર વાર્તામાં સારું ઉપસ્યું છે. જ્યારે ‘શિષ્યમોહ’ વાર્તા બાલ વનરાજને વીરધર્મ અને ક્ષમાધર્મ શીખવી, પછી એના પ્રકૃતિધર્મને માર્ગે જવા દેતા શીલગુણસૂરીના શિષ્યમોહ તથા તેમાંની નિવૃત્તિને વર્ણવે છે. જોબનને પૂરું માણી લીધા પછી મહાવીરના માર્ગે ક્રમશઃ ગમન કરતા મહાશતકને પત્ની રેવતી દ્વારા થતા કટુ અનુભવો અને એ અનુભવો સમયે મહાશતકમાં વિકસતો ક્ષમાભાવ નિરૂપતી ‘કુભાર્યા’ વાર્તા મહાવીરના ઉપદેશને કલાત્મક ઢબે આલે છે.

નિર્મળ સાધ્યની સિદ્ધિ અર્થે મેલું સાધન વાપરવામાં આવે, ધર્મની ઇમારત ઊભી કરવાના ઉત્સાહમાં એના પાયામાં અધર્મને ધરબાવવામાં ધર્મ