પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૫૧
 

રાજા ચંડપ્રદ્યોત અને રાણી મૃગાવતીના વર્ષો જૂના વૈરાગ્નિને પોતાનાં શીતળ પ્રેમવચનો દ્વારા શમાવી દેનાર શાંતભવ્ય તેજોમૂર્તિ ભગવાન મહાવીરના સાત્ત્વિક પ્રભાવને નિરૂપે છે. સંગ્રહની એ પછીની વાર્તા ‘અજબ કીમિયાગર’ નીતિ અને સદાચારના સાદા વ્રત-નિયમો દ્વારા ઇપ્સિત વર આપનાર મસ્ત અવધૂત આનંદઘનનું સચોટ વ્યક્તિચિત્ર નિરૂપે છે. જ્યારે ‘વીરની ક્ષમા’ વાર્તા કેદ થયેલા કટ્ટા વેરીને સંવત્સરી પર્વના દિવસે પોતાનો સહધર્મી ગણીને ક્ષમા આપી છોડી મૂકનાર વીર રાજકુમાર ઉદયનની મહાનુભાવી ઉદારતાનું દર્શન કરાવે છે. ત્રીજા ભાગની સૌથી લાંબી વાર્તા ‘આત્મહત્યા’માં વૈરાગ્નિથી બળતો તરુણ પિતાના ખૂનીનું ખૂન કરીને નિર્દોષ આચાર્યની અને પોતાની પણ આત્મહત્યાનું નિમિત્ત બને છે.

સંગ્રહની છેલ્લી વાર્તા ‘મૃત્યુ મહોત્સવ’ ગુજરાતના બાહોશ જૈન મંત્રી ઉદયનના વીરોચિત મૃત્યુની ગૌરવકથા રજૂ કરી છે. આ વાર્તા નકલી સાધુનો સ્વાંગ સજ્યા બાદ ખરેખર સાધુ થઈ જનાર નોકરની મનોદશાને સુંદર રીતે વર્ણવે છે. શ્રી ધીરુભાઈ ઠાકરને આ વાર્તા બીજી એક રીતે પણ ઉલ્લેખનીય જણાઈ છે. તેઓ આ સંગ્રહની પ્રસ્તાવનામાં કહે છે. ‘શ્રી કનૈયાલાલ મુનશીની નવલોમાં ઉદયન મંત્રીનું કૈંક અંશે કાયર, ધર્માંધ અને શિથિલ ચારિત્ર્યના રાજપુરુષ તરીકે જે ચિત્ર રજૂ થયું છે, તેનાથી તદ્દન ભિન્ન પ્રતિનું અને છતાં વિશેષ પ્રમાણભૂત એવું તેનું ચિત્ર અહીં મૂકીને શ્રી જયભિખ્ખુએ ગુજરાતના ઇતિહાસની એક અગત્યની હકીકત પર મહત્ત્વનો પ્રકાશ ફેંક્યો છે. (પૃ. ૧૨, ‘અંગુલિનિર્દેશ’ - ધીરુભાઈ ઠાકર).

‘વીરધર્મની વાતો ભાગ-૪ - સિંહપુરુષ’ની કુલ તેર વાર્તાઓમાંની પ્રથમ વાર્તા છે ‘તેજોલેશ્યા’. ભગવાન મહાવીરના શિષ્ય આર્ય ગોશાલકને નાયક રૂપે રજૂ કરતી આ વાર્તા આત્મવિલોપન એ જ આત્મવિજયની સાચી ચાવી છે એ સંદેશ આપે છે. આત્મસાધનાને બદલે કીર્તિસાધનામાં પજી ગયેલા આર્ય ગોશાલકનું પોતાના ગુરુ મહાવીર તરફનું તેજોદ્વેષભર્યું વર્તન તેના પોતાના પતનનું કારણ કેવી રીતે બને છે તે વર્ણવતી આ વાર્તા શક્તિ કરતાં સત્ત્વના મહત્ત્વને સુંદર રીતે બતાવે છે. સંગ્રહને જેના ઉપરથી પેટાશીર્ષક મળ્યું છે એ ‘સિંહપુરુષ’ ધારાનગરીના રાજકુમાર આર્યકાલક