પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

હૃદયપરિવર્તનને કથે છે. બાર વર્ષ તપ કરી સંહાર કાજે મેળવેલી શક્તિમાં રહેલ અશક્તિનો સાચો પરિચય થતાં તેનો ત્યાગ કરી સાધુની શક્તિ કેળવવા નીકળી પડેલા આર્યકાલકનું ચિંતન, મનોમંથન વાર્તારૂપે સુંદર ઉપસ્યું છે.

‘રંગ છે સવા-સોમાને’ માનવહૃદયમાં પડેલા ઉદાત્ત તત્ત્વ તરફની માનવીની શ્રદ્ધાનું દર્શન કરાવતી બે લાખેણા માનવીઓ સવા-સોમાના હૃદયવૈભવને વર્ણવતી વાર્તા છે. જ્યારે અહિંસા-રૂપી સુવર્ણની, સમતારૂપી મોતીની, નિર્મમત્વરૂપી માણેકની શોધમાં નીકળેલા મહાવીરે છ છ માસ સુધી અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોમાંથી પસાર થઈને છેવટે દેહનું નિર્મમત્વ, જીવમાત્ર પ્રત્યેની કરુણા અને આત્માની અજેયતા કેવી રીતે સિદ્ધ કરી એનું નિરૂપણ ‘તિતિક્ષા’માં મળે છે.

અપાર શ્રદ્ધાથી ડૂબતો જન તરી જાય છે ને શંકાથી તરતો જન ડૂબી જાય છે એ સંદેશ અપાતી ‘શ્રદ્ધામૂર્તિ’ વાર્તા સુપાલિત અને સુરક્ષિત નામના બે ભાઈઓની મહાવીર-મુખે કહેવાયેલી દૃષ્ટાંતકથા રજૂ કરે છે.

‘મૂંડકવેરો’ પ્રભાસપાટણના ભગવાન સોમનાથના મંદિરમાં લેવાતા મૂંડકવેરાને સિદ્ધરાજ જયસિંહની માતા ગુજરાતની રાજરાણી મીનળદેવી દ્વારા દૂર કરવાની કથાને રજૂ કરે છે. નાનકડી રાજકુંવરી મીનળમાંથી રાજમાતા મીનળ સુધીનાં ચરિત્રનાં વિવિધ પાસાંને વાર્તાકારે આછા લસરકાથી વાર્તામાં ચિત્રાત્મક ઢબે ઉપસાવ્યા છે. ‘નાટકનું નાટક’માં જૈન મુનિ અસાડાભૂતિએ મુનિવેશ ત્યજીને સંસારી થયાની અને સંસારના અસાર સુખોનો પાર પામી સાચો વૈરાગ્ય આવ્યાથી પુનઃદીક્ષિત થયાની ઘટના રજૂ થઈ છે. જીવન એ એક મહાનાટક છે જેમાં આપણે સૌ નકલી વેશ ધરીએ છે. અંતરમાં કંઈક અને બહાર કંઈક એવી મનોદશા ત્યજી સાચા વેશધારી બનવાની પ્રેરણા આપતી આ વાર્તા જૈન ધર્મકથાને લેખક દ્વારા અપાયેલા રમણીય રૂપનું દર્શન કરાવે છે. જ્યારે ‘મનવા ભાણની ટેકરી’માં ભોપાલ પ્રદેશમાં વાર્તાકાર શબ્દરૂપ આપે છે. મનવો ભાંડ વેશ કાઢવાની કળામાં એવો કુશળ હતો કે એની કુશળતાને સાધન બનાવી બે મિત્રોએ પરસ્પરની મશ્કરી કરવાના કરેલા કારસ્તાનમાં મુનિવેશ ધરી નકલી મુનિ બનતો મનવો