પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

ચેતનાને ધારણ કરી રહેલા આત્માનો ધર્મ, જેનું સર્વશ્રેષ્ઠ પ્રતીક છે પ્રેમ. આ બધી વાર્તાઓનો અંતિમ ઘંટારવ છે પ્રેમબોલનો. પ્રેમ અને એના અનુષંગે અહિંસા, દયા, ક્ષમા, શાંતિ, ત્યાગ, અપરિગ્રહ અને સદાચારનો પુરસ્કાર કરતી આ વાર્તાઓ શુદ્ધ આત્મધર્મનું ગૌરવ સ્થાપે છે. અને એ રીતે જૈન ધર્મનું કથાવસ્તુ તો વાર્તાનું બહિરંગ માત્ર છે. વાર્તાનું ખરું અંતઃસ્તત્વ તો પ્રત્યેક વાર્તામાંથી ફોરમની જેમ ફલિત થતા સર્વગમ્ય જીવનસિદ્ધાંતમાં જ રહેલું છે. સાંપ્રદાયિક વસ્તુને સર્વમાન્ય ભૂમિકા ઉપર મૂકી આપી માનવજીવનના મૂલગત અંતસ્તત્ત્વને પ્રગટાવવામાં જ વાર્તાકાર જયભિખ્ખુની કલાકાર તરીકેની ખૂબી જોવા મળે છે.

કોઈ પણ વાર્તાકારની સફળતાનો ઘણો આધાર એની લેખનશૈલી ઉપર હોય છે. ‘વીરધર્મની વાતો’ના વિવિધ ભાગોમાં ઘણે સ્થળે તેમની શૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને સતત જકડી રાખે એવી નૈસર્ગિક ધમકવાળી ચેતના છે. કથનની ઉત્કટતા અને સરસતા તથા વર્ણનની ચારુતા એ જયભિખ્ખુની શૈલીના આગવા ગુણો છે. ઇતિહાસ, સમાજ કે રાષ્ટ્રનો કોઈ પણ વિષય હોય, જયભિખ્ખુ એની એવી મિષ્ટ અને રોચક શૈલીમાં રજૂઆત કરે છે કે ભાવક તલ્લીન બનીને એ રસસૃષ્ટિમાં રમમાણ થાય છે.

ધર્મોપદેશને મુખ્ય બનાવતી વાર્તાઓનું એક ભવ્યસ્થાન એ છે કે જો વાર્તાકાર સજાગ ન હોય, તટસ્થ અને બિનઅંગત વલણ ન ધરાવતો હોય તો વાર્તામાં ઉપદેશ જ મુખ્ય બની બેસે. કલાતત્ત્વના ભોગે તત્ત્વબોધને કેન્દ્રિત કરતા કથાપ્રસંગને જ કૃત્રિમ ઢબે ગોઠવાઈ જાય. સંગ્રહોની કેટલીક વાર્તાઓ જેવી કે ‘આત્મહત્યા’, ‘સહુ ચોરના ભાઈ’ જેવાને બાદ કરતાં લાગે છે વાર્તાકાર રચનાવિધાન અંગેના આ ભયસ્થાનથી પૂરેપૂરા સજાગ છે. ‘દેવદૂષ્ય’, ‘અમર કૂંપો’, ‘ભવનાટ્ય’ જેવી કૃતિઓ તો વાર્તાકાર જયભિખ્ખુની શિષ્ટ માન્ય કલાષ્ટિના નોંધપાત્ર નમૂના છે. લેખકે સ્વીકારેલી કથયિત્વની મર્યાદાને લક્ષ્યમાં લેતાં એમની આ સિદ્ધિને નાનકડી તો ન જ ગણાવી શકાય.

શિષ્ટ સરળ અને હૈયા સોંસરવું ઊતરી જાય એવા સચોટ