પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૫૫
 

ગદ્યવિધાનથી વાર્તારૂપ પામતી આ વાર્તાઓમાં જૈનધર્મ અને એના ધાર્મિકોની દૃષ્ટિ વૃત્તિનાં ચિત્રણો છે, એમ છતાં એનો કલાગુણ સાર્વત્રિક પ્રભાવ ધારણ કરીને જૈનેતરોને પણ પ્રસન્ન કરે છે, - એ જયભિખ્ખુની વાર્તાકલાની સિદ્ધિ છે.

‘માદરે વતન’ :

શ્રી જયભિખ્ખુ આપણા ધ્યેયલક્ષી વાર્તાકાર છે. પોતાના સાહિત્યસર્જન દ્વારા સમાજને કંઈક ઉન્નત પ્રાપ્ત થાય એવી એમની ઝંખના છે. ઈ. સ. ૧૯૪૭માં ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સદીઓથી પદ્દલિત. પરાજિત હિંદ એક અને અવિભાજિત બન્યું. હિંદુસ્તાનના નવનિર્માણના આ સમયગાળામાં અન્ય ક્ષેત્રોની જેમ ઇતિહાસ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ સ્વચ્છ, નિખાલસ અને દીર્ઘદૃષ્ટિભર્યું નવનિર્માણ જ્યારે જરૂરી હતું ત્યારે લેખક ‘માદરે વતન’ લઈને આવે છે. હિંદની પરાધીન દશા દરમિયાન આ દેશ વિશે, એના નરવીરો વિષે અનેક ભ્રમજનક અને લાંછનકારક ઇતિહાસ તથા ઇતિહાસાધારિત સાહિત્ય રચાયું હતું. રાજકારણને ધર્મ માનનાર પરદેશી મુત્સદ્દીઓએ આપણાં બાળકોને ગળથૂથીમાંથી જ ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ઝેર પાયું હતું. આપણું બધું જ ખરાબ, ઊતરતું કે હીન અને પરદેશીઓનું સઘળું ચડિયાતું એ ભાવ રોપ્યો હતો. આ વાર્તાસંગ્રહ સંસ્કૃતિહત્યાના ભ્રમને ટાળવાના હેતુથી જયભિખ્ખુએ રચ્યો છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓ પોતે જ આ વાતની કબૂલાત કરતાં કહે છે : ‘માદરે વતન તરફ મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી શિર ઉન્નત થાય, સાથે કમજોરી તરફ ખાસ લક્ષ જાય, રાજકીય કાવાદાવાઓ ને રાજખટપટોનો કંઈક ખ્યાલ આવે, એવાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓ લક્ષમાં રાખી આ વાર્તાઓનું ગૂંથન કર્યું છે.’ (પ્રસ્તાવના : પૃ. ૭).

પ્રાચીન અને અર્વાચીન બંને પ્રકારના કથાવસ્તુવાળી આ વાર્તાઓ વર્તમાનમાં ખપમાં લાગે એવો કોઈ ને કોઈ સંદેશ લઈને આવે છે. સંગ્રહની કુલ સત્તર વાર્તામાની ‘કુરબાની’, ‘કુળાભિમાન’, ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હમીરગઢ’, ‘વતનને વાટે’, ‘અમીચંદ’, ‘અનામી શહાદત’, ‘સોમનાથનાં કમાડ’, ‘આખરી સલામ’ એ નવ વાર્તાઓ આ સંગ્રહના પુરોગામીવાર્તાસંગ્હ