પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૬
જયભિખ્ખુ :વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


‘ઉપવન’માંથી અને ‘ટોપીવાળાની સમાધ’, ‘ગુલાબ અને કંટક’માંથી પુનરાવૃત્ત થઈ છે. એ સિવાયની વાર્તાઓમાં પ્રથમ છે ‘પાપના ડાઘ’. પૌરાણિક કથાસંદર્ભથી યુક્ત આ વાર્તામાં યુધિષ્ઠિરના હૃદયની વેદનાને વાચારૂપ મળ્યું છે. કુરુક્ષેત્રના અઢાર દિવસના મહાસંહારક યુદ્ધ પછી પોતાને શું પ્રાપ્ત થયું એની શોચના કરતાં યુધિષ્ઠિરનું હૃદય ઊંડા ચિંતન અને વ્યથા અનુભવે છે. કૌરવોનાં પાપોને સંહારવા જતાં પોતે પણ કેવા પાપાચાર આચર્યા એની યાદ હૃદયને કંપાવે છે. ઊંડી મથામણ પછી પ્રેમની પુનઃસ્થાપના માટે રાજપાટનો ત્યાગ કરી પાંડે પાંડવો દ્રૌપદી સંગે નીકળી પડે છે. વિશ્વયુદ્ધોની વિટંબણામાં ફસાયેલી માનવજાતને યુદ્ધનો નફો કેવો નુકસાનકારક બનતો હોય છે એ તરફ વિચારવા પ્રેરતી આ વાર્તા પાપના ડાઘને પ્રેમના જળથી ધોવાનો સંદેશ આપે છે.

‘હીરા માણેક’ ભગવાન સોમનાથની દેવદાસી માણેસ અને સિતારવાદક હીરા વચ્ચેના અનોખા પ્રેમ અને કુરબાનીની કથા રજૂ કરી છે. ગઝની સુલતાન જ્યારે સોમનાથના મંદિર ઉપર ચડી આવ્યો ત્યારે એકબીજાને પ્રેમ કરતાં આ બંને એના સૈનિકોને હાથે બંદી થયા. સૈનિકના બદઈરાદાથી બચવા માણેકે આત્મહત્યા કરી અને મૃત માણેકના પ્રેમની દાદ મેળવવા હીરાએ ગઝનીની આખી સેનાને રમણાં ચડાવી બદલો વાળ્યો.

સ્વદેશ ને સ્વાધીનતાની રક્ષાએ જ્યારે સહુએ એક થવું જોઈતું હતું એવા ટાણે સત્તાલોલુપી રાઠોડો ને સૌંદર્યલોભી ચૌહાણો આપસ-આપસના યુદ્ધમાં મસ્ત હતા. પરિણામે સ્વાધીનતા ગુમાવી. યવનો દેશ ઉપર ચડી આવ્યા. આ ઇતિહાસસિદ્ધિ હકીકતને વર્ણવતી ‘વીર જયચંદ્ર’ વાર્તા દેશદ્રોહી તરીકે વગોવાયેલા રાઠોડવીર જયચંદ્રના ઉજ્જ્વળ ચારિત્રને આલેખે છે. જયચંદને વગોવનારી કથા ચંદ બરદાઈના બનાવેલા ‘પૃથ્વીરાજ રાસા’માં છે પણ તે રાસો સોળમી સદીમાં લખાયો છે. પૃથ્વીરાજનો ચંદ જુદો હતો, રાસો લખનાર ચંદ જુદો હતો. રાસો લખનાર ચંદે ચૈહાણોને સારા ચીતરવા તથા કથારસ જમાવવા જયચંદને ખલનાયક તરીકે ચીતરીને અન્યાય કર્યો છે. પૂર્વગ્રહોથી મુક્ત ઇતિહાસ વિષેની સાચી હકીકતો જણાવતી આ વાર્તા જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાનની પરિચાયક છે. શાંતિચાહકો દ્વારા સંગ્રાહસિંહને ઝેર આપી મૃત્યુ પમાડ્યાની કથા ‘સંગ્રામ’માં રજૂ થઈ છે તો