પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૮૫
 

મારી નાખી કે એ પૈસાદાર સુથાર સાથે પોતાના પેટની જણી છોકરીને પરણાવી શકે ! ઓરમાન મા અનેક પ્રકારની યુક્તિપૂર્વક એ કાર્ય પાર પણ પાડે છે, પણ તે કલાકાર પોતાની પ્રથમ પત્નીના પ્રેમે પાગલ બની જાય છે, અને કંચનના મોહે પરણાવવામાં આવેલી બીજી પત્ની મેના પતિના પ્રેમને પામી શકતી નથી. કંચનના ધનના પ્રેમના મોહે આ વાર્તામાંની અપરમાએ જે કંઈ દુષ્કાર્યો પોતાના ધ્યેયને સિદ્ધ કરવા કર્યાં એને કારણે નથી એ સુખી થઈ શકી કે નથી અન્ય કોઈને સુખી બનાવી શકી. માનવજીવનમાં ધન એ સાધન છે, સાધ્ય નથી. એનો ઉપયોગ પણ સાધન તરીકે જ થવો જોઈએ એ ધ્વનિને સમજાવતી આ વાર્તામાં મનસુખનું પાત્ર લેખકની કલમે કુશળ રીતે ઊપસ્યું છે.

આત્મકથનાત્મક સ્વરૂપની ‘સાંકળી ફઈબા’ વાર્તામાં જયભિખ્ખુએ ધર્મ જ્યારે સંસ્થાપ્રધાન કે સાંપ્રદાયિક રૂપ પામે ત્યારે સમાજના નિર્બળ તત્ત્વો ઉપર સત્તાનું કેવું હથિયાર બની જાય છે તે સરસ રીતે નિરૂપ્યું છે. જૈન સમાજના ફિરકા સ્થાનકવાસી અને દેરાવાસી વચ્ચે આમ તો રોટીબેટીનો વ્યવહાર હતો પણ અમુક સમયે અંગત રાગદ્વેષોમાંથી જન્મેલો આંતરસંઘર્ષ કેવી રીતે સમાજસંઘર્ષ અને ધર્મસંઘર્ષનું રૂપ લઈને કુટુંબો વચ્ચે વિખવાદની વિષવેલ બની બેઠો હતો એનું નિરૂપણ આ વાર્તામાં લેખકે સુંદર રીતે કર્યું છે. વાર્તાનું વાતાવરણ સંપૂર્ણપણે સાંપ્રદાયિક છે. સાધુઓની વૈયાવચ્ચ (પૃ. ૩૧), અઠ્ઠાઈ ઉત્સવ (પૃ. ૩૪), પ્રતિમાજીની પધરામણી (પૃ. ૩૪) જેવા શબ્દપ્રયોગો સાંપ્રદાયિક માનસ જ સમજી શકે એવા છે. વાર્તામાં દાદાનું ખીમરવંતું અને ઊંડી સૂઝવાળું પાત્ર સ્મરણીય છે.

‘સોનાની મરઘી’ વાર્તામાં પૈસાદાર છોકરાને પોતાની દીકરી પરણાવવા ઇચ્છતા અને એની પાછળ ગાંડા બનતા સમાજનું ચિત્ર આલેખાયું છે. કાઠિયાવાડી ધરતીનો પરિવેશ, ત્યાંનો સમાજ, દીકરીના બાપની ગરજાળ પરિસ્થિતિ, એનો લાભ ઉઠાવવા તત્પર દીકરાના મા-બાપ વગેરેનું વેધક ચિત્ર આ વાર્તા આપે છે. મુંબઈની દુનિયામાં રહેલી, ઓછું ભણેલી પણ વધુ ગણેલી શણગાર શેઠાણીનું દેશમાં નાતીલા સાથેનું વર્તન, એનું શ્રીમંતાઈનું તથા શહેરીપણાનું પ્રદર્શન લેખકે ખૂબ સરસ રીતે ઉપસાવ્યાં છે. પોતાની દીકરીને શહેરમાં વરાવવાના મોહે ગરજાળ બનતા દીકરીના બાપનું